આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
ગંગા–ગુર્જર વાર્તા


“એમ કેમ પિતાજી ? મેં ત્રણસો રૂપિયા તો હમણાં મોકલ્યા હતા; તે ક્યાં ગયા ?”

“દેવામાં આપી દીધા.”

“ત્યારે હવે ઘરમાં કંઈ નથી? લો આ એક હજાર રૂપિયા. પિતાજી, એ હું તમારા ઔષધને માટે લાવ્યો છું, ને તમારા આશીર્વાદથી હું વધુ કમાઇશ.”

કિશેારના પ્રેમથી ડોસો ગગળી ગયો; ને તેણે ડચકીયાં ખાધાં. ઘરનાં સઘળાં ત્યાં હતાં તેઓ પણ દંગ થઈ ગયાં.

“પિતાજી તમે લેશ પણ ચિંતા કરો નહિ. પ્રભુ સરખો દાતાર છે, તે આપણી આબરૂનું રક્ષણ કરશે.” આમ કહીને તેણે સો રૂપિયા રોકડા ને નવસોની નોટનો ચોડો પથારીપર મૂક્યો, “લો પિતાજી, તમારું દુ:ખ વિસારી દો, ને જરા પણ સંતાપ હોય તે કહાડી નાખો. આ બધું તમારું જ છે, એમ જ સમજજો કે તમે મને જન્મ આપ્યો છે તેનો બદલો હું વાળી શકીશ નહિ.”

“એ કોના પૈસા છે ?” ડોસાએ જરાક અજાયબીથી પૂછયું.

“મારા ! તમારા ! રે આપણા સર્વેના એ પૈસા છે, એમાંથી તમને જોઈતી વસ્તુ મંગાવો. ડાક્ટર ને વૈદ્ય જે હોય તેને બોલાવો, ને બરાબર ઔષધ કરો.”

“એમ નહિ બને.” જરાક વિચાર કરીને મોહનચંદ્રે કહ્યું, “ભાઇ કિશેાર, તું જ એક મારો સુપુત્ર છે ને તું જ મારી આબરૂનું રક્ષણ કરનાર છે. પણ સાંભળ, આ મારી એક છેલ્લી તને પ્રાર્થના છે, ને તું મને ખાત્રી છે કે તે કબૂલ રાખશે, આપણા પડોસીના વ્યાજ સુદ્ધાં નવસો રૂપિયા દેવા છે, ને એ ઋણમાં હું મરતી વખત રહેવા માંગતો નથી.”

“જેવી તમારી ઇરછા,” જરા પણ વિચાર કીધા વગર પોતાના પિતાની ઇચ્છાને આધીન થઇને કિશેારે પ્રત્યુત્તર વાળ્યો.