આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૧
પિતા અને પુત્ર


“ધન્ય ! ધન્ય !” ઘણા જ પ્રેમથી મોહનચંદ્ર બોલ્યો. “તારું કલ્યાણ થાઓ, ને સુપુત્ર તું આ જગતમાં એક જ છે, તારો પ્રેમ ને પિતૃભક્તિ એ અવર્ણનીય છે, તું એક જ સપૂત છે, ને હું ઇચ્છું છું કે તને યથાર્થ સુખ તે જગદંબા પૂરું પાડે. તારા સુભાગ્ય પ્રમાણે તને ખરેખરી ભાર્યા પણ મળી છે, ને આપણા ઘરમાં, આપણી ન્યાતમાં, આપણા શહેરમાં ગંગા જેવી એક પણ વધૂ હશે નહિ. ગંગા તે ગંગા જેવી જ પવિત્ર છે. મર્યાદા ને વધૂ ધર્મ એ એટલા તો સમજે છે કે તેની બરાબર બીજું કોઇ જ નથી. સદ્ગુણમાં તે પૂરી છે, ઘર રાખવામાં તે શ્યાણી છે, ને સૌની પ્રીતિ સંપાદન કરવામાં પૂરી છે. તેં જેમ તારો પ્રેમ મારી તરફ બતાવ્યો છે, તેમ જ આ તારી સ્ત્રીએ મારી સેવા કરવામાં કશું પણ બાકી રાખ્યું નથી. એ નહિ હોત તો હું ક્યારનો સ્વર્ગે પહોંચી ગયો હોત. આ ઘરમાં એના શિવાય બીજું કોઇ નથી કે જે મારી બરદાસ્ત કરે. પ્રિય કિશોર ! બેટા કિશોર ! તને એક અમૂલ્ય રત્ન મળ્યું છે, તે કુળદીપક વધૂ તરીકે આજે આ ઘરમાં શોભે છે, મારી એવી ઇચ્છા છે કે તારે તારી પત્નીના કહેવા પ્રમાણે વર્તવું. ગંગામાં એટલા બધા સારા ગુણો ભરેલા છે કે કદી પણ તે તને માઠી સલાહ આપશે નહિ, મારી સંપૂર્ણ ખાત્રી છે કે આ મારા કહેવાને તમે સર્વ કોઈ અનુસરશો.”

કિશેાર, કમળી, વેણીલાલ, વેણીગવરી, તુળજા, કેશવલાલ વગેરે સર્વે ગળગળી ગયાં. કિશેારથી એક શબ્દ પણ તેના ઉત્તરમાં બોલાયો નહિ. ગંગાની આંખમાંથી ઢળક ઢળક આંસુ વહ્યાં.

એક પિતાતુલ્ય સસરાને મોઢેથી અને એક પિતાને મોઢેથી એક પુત્ર અને વધૂને પોતાનાં જ વખાણ સાંભળવાનો સમય આવે એ શું થોડું આનંદ આપનારું છે ? વળી તે વૃદ્ધવયે પહોંચેલા, પુખ્ત અનુભવવાળા પુરુષને મોઢેથી આવાં વચનો સાંભળવાથી કંઈ થોડું સુખ પ્રાપ્ત થાય છે વારુ ? તેમ એક પતિએ પોતાની પત્નીની તારીફ પોતાના બંધુઓ