આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૧૪


પ્રકરણ ૧૭ મું
ખરી કસોટી

મોહનચંદ્રની શરીર પ્રકૃતિ હવે છેક બગડી ગઈ હતી. તેની માંદગીમાંથી બચવાની જરા જેટલી પણ આશા નહોતી. અગ્નિ સરખો ધીકતો તાવ તેના પ્રાણ લેવાને આવ્યો હતો, ને ખરેખર તે તાવે જ તેના પ્રાણ લીધા.

નાગરની ન્યાતમાં આ કુલીન ગૃહસ્થની માંદગીના સમાચાર ફેલાયા, એટલે લોકોનાં ટોળે ટોળાં ખબર લેવાને આવવા લાગ્યાં. ખબર તો નામની જ હતી, પણ નકામી કુથળીઓ થતી હતી. નિંદાનું ધામ, તે એ વેળાએ મોહનચંદ્રનું ઘર હતું. નિંદાખોર લલિતાબાઈ હતાં, તે જે કોઇ સગું કે વહાલું આવતું તેને માટે દીકરા વહુનાં વગોણાં કરવાને બેસી જતી, પોતાના પતિની તબીયતની કશી ખરખબર રાખતી નહિ. છતાં કહેતી કે વહુએ તો મને જંપવા દેતી નથી. લોકો આ એકતરફી નિંદા સાંભળીને વહુવારુઓની નિંદા કરતાં, ને તે નિંદા આખા શહેરમાં ફેલાવા પામી ગઇ હતી.

મોહનચંદ્રની આવી સખત માંદગીમાં વળી ગંગાના પિતાનો કાગળ આવ્યો કે તેની પોતાની શરીરસુખાકારી બગડી ગઇ છે, માટે પુનાથી વડોદરા જનાર છે. આ વેળાએ તેણે ગંગાને, ઘણાં વરસ થયાં મળ્યો નહોતો તેથી મળવાને તેડાવી હતી. એક બાજુએ પિતાની આરોગ્યતાના માઠા સમાચાર, અને બીજી બાજુએ પિતાતુલ્ય સસરાની કપરી માંદગી, હવે ગંગાને શું કરવું તે સૂઝ્યું નહિ. ત્રણ વર્ષ થયાં પોતાના પિતાને મળી નહોતી; ને તેમાં આવા સમાચાર સાંભળ્યા પછી એક ક્ષણ પણ એની વૃત્તિ હાથમાં રહી નહિ, પણ થોડીવાર વિચાર કરવાને માટે ઉભી રહી, એટલામાં કિશોર ત્યાં આવી પહોંચ્યો.