આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬
ગંગા–ગુર્જર વાર્તા


“તમારું મોઢું શ્યામ થઈ ગયું છે, ને તાપ તમારાથી ખમાતો નથી. જરાક હમણાં જ લેશો તો હરકત નથી. પિતાજી સારી પેઠે છે, વધારે કંઈ નથી.”

“પ્રિયા ! હમણાં હવે શરબત પીવા ને પાવાનો વખત છે ? મારા પિતા હવે કદી જીવવાના નથી, હવે એની આશા જ નથી.” આટલું બોલતામાં તો એક નાદાન છોકરા પેઠે તે રડવા લાગ્યો, અને તેની આંખમાંથી ઉનાં પાણીનો રેલો વહ્યો. ગંગા પણ ગળગળી થઇ ગઇ, તે પણ સાથે રડવા લાગી. એક પિતાના મરણના સમાચારથી જેટલી દિલગીરી થાય તેનાથી વધુ શોકથી કિશેાર ગળગળો થયો હતો; અને તેમાં ગંગાએ વધારો કીધો, પણ થોડીવારમાં ગંગાએ આંખ લૂછી નાખી પૂછ્યું, “ડાક્ટર શું કહે છે !”

“તે શું કહેવાનો હતો, આપણે જોઇએ છીએ કેની ? તાવ વધતો જાય છે ને હવે બે દહાડા કહાડવા મુશ્કેલ છે.”

એ સાંભળતાં જ ગંગા સ્તબ્ધ થઇ ગઇ ! તેના પિતાના સમાચાર કહેવાની હિંમત જ નહિ ચાલી. પણ પછી લળીલળીને વાત કરતાં, બહુ ખેદથી પોતાના પિતાનો કાગળ કિશેારના હાથમાં મૂક્યો. કિશેાર તે વાંચી ગયો અને ઘણો ગભરાયો, તે જાણતો હતો કે આખા ઘરમાં માત્ર ગંગા જ એકલી છે, ને જો તે ગઇ તો પછી તેનો પિતા એક દિવસ વેહેલો જ મરણ પામશે. હવે શું કરવું તેની એને સૂઝ પડી નહિ. દિગમૂઢ થઈ બંને જણ એકેકની સામાં ટગરટગર જોયા કરતાં હતાં.

“ગંગા, તારી જેમ મરજી હોય તેમ કર, હવે મારો ઇલાજ નથી, ને હું તને રોકી શકતો નથી. મારા પિતાના જેવો જ તારો પિતા છે. તું ત્રણ વરસ થયાં મળી નથી, ને જ્યારે તને મળવાને તેડી છે ત્યારે ખરે તે ઘણા આતુર હશે. જેમ તને યોગ્ય લાગે તેમ કરજે, મારા તરફની કશી હરકત નથી. એ તો નક્કી જ છે કે મારો પિતા બે દિવસ જીવવાનો નથી.” કિશોરે કહ્યું ને કાગળ પાછો ગંગાને આપ્યો.