આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૭
અવ્યવસ્થા


“નેત્રમણિ પ્રાણપ્રિય-આપના કુશળપત્ર સદા મળે છે, પણ સાંભળ્યા પ્રમાણે પ્રિયની આરોગ્યતા કુશળ નથી. તમારે ઘરની ચિંતા કાઢી નાખવી. ઘરમાં અરાજકતા-અવ્યવસ્થા છે, સાસુજીનો ત્રાસ હવે વેઠાતો નથી. પણ પ્રાણવલભ, તેથી એમ મા ધારશો કે આ દાસી તમારી માતાનું પાદસેવન કરવે આળસ રાખે છે. આપે હમણાં ૩૦૦ ઘરના ખર્ચ માટે મોકલ્યા છે. હજી તો ગયાને માત્ર ૩૦ દિવસ થયા નથી તેટલામાં એ રકમ ક્યાંથી આવી તે મને સમજાતું નથી. દુ:ખે તમે દુબળા થયા છો, તે શું આવી ફિકર હવે તમારે રાખવી જોઇએ ? હે પ્રિય વલ્લભ ! તમે મને જણાવશો કે હાલમાં આટલી બધી ફિકર કેમ પડી છે ને મેં શું તકસીર કીધી છે કે તમારા ભાગ્યમાં ભાગ લેવાને મને તેડાવતા નથી ? તમારે કારણે મારું ઝરઝવેરાત અને તન મન સૌ આપવાને તત્પર છું. તમારા દુઃખના કંઇ પણ સમાચાર જાણું છું એટલે પ્રિય, મને અન્ન ઝેર સમાન લાગે છે, નિદ્રા આવતી નથી ને સર્વસ્વ ત્યાગ કરું છું, કૃપાનાથ ! મને તમારા દુ:ખનું કારણ જણાવશો. ઘરની સઘળી ફિકર તજી દેશો. મારા શિરપર તમે જે જોખમ મૂક્યું છે તે મને સંભાળવા દેશો. હું ઘરની વ્યવસ્થા કરીશ. મારા પિતાજી અત્રે આવ્યા હતા ત્યારે મારા હાથમાં રૂ ૧૦૦૦ ની નોટ મૂકી ગયા છે - જે પૈસા મેં તમારા ચરણ નજીક મૂક્યા છે. હું તેમાંથી સર્વ રીતે ખટલો ચલાવીશ, એ પૈસા તમારા જ જાણજો; ને હવે કદી પણ પૈસા મોકલવા શ્રમ ઉઠાવતા નહિ, તમે આવ્યા ત્યારે પગારમાંથી સતલડો લેવા કહ્યું હતું, પણ હવે તે લેતા નહિ, મને તેની કશી જરૂર નથી. આપ છો તો સર્વ છે; નિરંતર પ્રેમ ને પત્ર જારી રાખશો.

તમારી વાહાલી

સુરત તા. ૧૦ મી

ગંગા."

ડીસેમ્બર ૧૮૭૭

આ પત્ર વાંચતાં કિશોરનું કુમળું કાળજું ઘણું ભરાઇ આવ્યું. તેટલામાં મોતીલાલ આવી પહોંચ્યો, તેને પોતાના મિત્રની વિપત્તિ માટે