આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪
ગંગા–ગુર્જર વાર્તા

પાળવે તે બાઈ અશક્ત હોય, તો એક દયા ખાતર જ તેનાં લગ્ન થાય તો ઠીક, જો કે રૂડાં તો નહિ જ. આ વાદવિવાદમાં બિહારીલાલે પોતા તરફથી એટલી બધી તો અચ્છી દલીલો આણી કે કિશોરની ગમે તેટલી નિપુણતા છતાં તેનાથી કેટલીક બાબતના ઉત્તર દેવાયા નહિ, એટલું નહિ પરંતુ પુનર્લગ્નની તરફ જે એનું વલણ દૃઢતાથી વળેલું હતું તેમાં ઉલટો એ પાછો હઠયો. એ નિરાશ થયો ને કમળીનાં લગ્ન માટે શું કરવું તે માટે મોટા વિચારમાં પડી ગયો.

એક અઠવાડિયું રહીને કિશોર પાછો મુંબઇ આવ્યો. એલ. એલ. બી. ની પરીક્ષાને માટે એણે ખૂબ તનમનથી અભ્યાસ કીધો. સારા યોગે એ પરીક્ષામાં પસાર થયો ને સનદ મેળવી. હવે તેને હાઇ કોર્ટમાં કામ કરવાની સત્તા મળી. આ બીના ગંગાના જાણવામાં આવી તેથી તેને એટલો બધો આનંદ થયો કે પોતાની લાડકી દીકરીપરનો સર્વ પ્રકારનો પ્રેમ ઉતારી પોતાના પિયુનું જ સ્મરણ કરવા લાગી. દહાડો ચઢતો હોવાથી હાઇકોર્ટમાં કામ કરવા માંડ્યા પછી બે ત્રણ મહિનામાં એક વકીલ તરીકે એ સારો પંકાયો. પહેલે જ સપાટે રૂ. ૨૦૦ થી રૂ. ૩૦૦ દર મહીને મેળવવા લાગ્યો, અને આ પોતાની આવક સ્થાયી થશે એવી આશા ઉત્પન્ન થવાથી ગિરગામમાં એક સારો બંગલો ભાડે રાખ્યો. ટેબલ, ખુરશી, કાચ, છત્રીપલંગાદિ કેટલોક અગત્યનો સર્વે સામાન તેણે વસાવ્યો. ગંગાને પાંચ માસ થઇ ગયા હતા તેથી એનાં માતા પિતાએ સારા આડંબરથી વિદાય કીધી. વાણિયાઓની રીત પ્રમાણે ગંગાની દીકરીને સારા વસ્ત્રાલંકાર તથા પારણા સાથનું ઘોડીયું વગેરે વિદાય કરતી વેળાએ બિહારીલાલે આપ્યાં.

આજે પ્રાતઃકાળના સાત વાગે ગંગાએ પોતાના પ્રિયના નવા ઘરમાં પ્રવેશ કીધો. જેવી તેની ગાડી આવી પહોંચી કે તરત કેશવલાલ, જે આ વેળાએ મુંબઇમાં પોતાની નોકરી પર આવ્યો હતો તે સામો લેવાને ધસ્યો ને કિશોર પણ તેટલા જ પ્રેમથી સામે ગયો. ઉતરતાં