આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨
ગંગા-ગુર્જર વાર્તા

વર્તતાં તે વિવેકને જોઈને પોતાના ઘરનાં દાસ દાસીઓને બધી રીતે તેવા કરવાનો વિચાર કરતી, પણ પ્રારંભથી જ બે કાયદા થયેલા ઘાટાઓ શેઠાણી ને શેઠને પત જ શાના કરે, ને દાસીઓ તો શેઠાણીના માથાપર ચઢી નહિ બેસે તો ભલું.

હિંદુ સંસાર તે કંઇ સંસાર છે વારુ ? મુંબઇની શેઠાણીઓ તો ઠીક જ છે, જ્ઞાનમાં તો મહારાજોનાં મંદિરે જવાનું જ શીખેલી, ને ઘરમાં રીતભાત એવી રાખેલી કે જ્યારે શેઠ ઘરમાં નહિ હોય ત્યારે બાર કલાક સુધી શેઠાણી બરાડા પાડે, પણ સેવકો સાંભળે જ શેના ચાકરો ઘણી વેળાએ વિનય વગર ઘણું નફટાઇ બતાવે, ને સમયે શેઠાણીની સામા બેમર્યાદા થઇ ચાળા પણ પાડે; ને શેઠાણી વળી એવાં ભલાં માણસ કે વગર વિવેકે ચાકર માણસ સાથે ગપાટા મારે, અને તેઓ જોડે મર્યાદા રહિત બોલે, પછી હિંદુ શ્રીમંત કે રંક કોઇના પણ બૈરાંના ભાર વક્કર કેમ પડે ?

આમાંનું કંઇ પણ ગંગાના ઘરમાં નહિ જોતી ત્યારે મોટા મોટા લોકના ઘરની સ્ત્રીઓ પણ ચકિત થતી હતી. ગંગાએ તો પોતાનાં દાસ દાસીઓ સાથે એવો તો દડપ ને રૂઆબ રાખ્યો હતો કે તેઓ એક શબ્દમાં હાજર થતાં હતાં, તેમ તેઓ પ્રત્યે એવી તો પ્રીતિ રાખતી હતી કે જરા પણ તેમને અગવડ પડવા દેતી નહિ. આજ કારણસર ગંગાના ઘરમાં સઘળું વ્યવસ્થિત હતું.

મુંબઇમાં રહેવા પછી સ્ત્રીકેળવણીમાં ગંગાએ ને કિશોરે ઘ્ણો સારો ભાગ લીધો અને ઘણીક કન્યાશાળાઓને પોતાની મુલાકાતનો લાભ આપીને તેમને ઉત્તેજન આપ્યું. એટલું જ નહિ પણ ઘણીક સ્ત્રીઓ તેમના સમાગમથી કેળવાઇને હોશિયાર થઇ.

પરંતુ આ પ્રમાણે ઘણો કાળ નિભ્યું નહિ, ઈશ્વરને આ સુખી જોડાને જોઇને ઈર્ષા પેદા થઇ, ને તેથી જ તેણે એક પછી એક વિડંબનાઓ મોકલવા માંડી.