આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૯
બીજી વિપત્તિ


આણી તરફ કિશેારના જવા પછી ગંગાએ, ઘરનું કામ પોતાને માથે પડ્યું તેથી તરત સઘળા તેના કેસ સંબંધી વ્યવસ્થા કીધી. એક ચાકરની મારફત સઘળા કેસના કાગળો તેના મિત્રને મોકલાવી દીધા. તારીએ જાગતાં જ બાપુજીને હાંક મારી, પણ તેનો અવાજ નહિ આવવાથી તે રડવા લાગી, ને થોડીવારમાં કળીયાણ કરી મૂક્યું. ગંગા ગમે તેવી ડાહી હતી તથાપિ પોતાના પતિના વિયોગથી ઘણી દિલગીર થઇ. તરત કમળા બહેન આવ્યાં. કિશોરભાઇના જવાના સમાચાર જાણી તે દિલગીર થઇ, પણ પછી કામકાજ ન હોવાથી બને જણી વાતે વળગી. કમળીનાપર જે સિતમ ગુજરેલો હતો તેથી તે ઘણી દિલગીર જણાતી હતી ને પંચાતના જુલમાટ પછી કદી પણ હસતી જણાઇ નહોતી. તે દહાડે દહાડે શરીરે અશક્ત જણાતી હતી, તેના તનમાં રોગ હોય તેના કરતાં મનની ચિંતાથી તે ઘણી પીડાતી હતી; જો કે ગંગા ને કિશેાર તેને માટે ઘણી કાળજી રાખતાં હતાં તેટલું છતાં તેની તબીયત જરા પણ સુધરી નહોતી.

સૂનમૂઢ પેઠે થોડીવાર કમળી બેઠી, તેથી ગંગાને એમ લાગ્યું કે તેને મારી તરફથી કંઈ અવિવેક થયો હશે, ને તેટલા જ કારણથી તેણે પૂછ્યું:– “મોટી બેહેન, તમે આજ કેમ દિલગીર છો ? કંઇ તમને મારી કે તમારા ભાઇની તરફથી એાછું પડ્યું વારુ ?”

“ગંગા ભાભી, તું એમ ના બોલ, શું મને અવિવેકી જાણે છે ? તારા જેવી ભાભી તો કોને છે વારુ કે તેના અવિવેકથી મારે શોષવું પડે ?” કમળીએ અચકાતાં કહ્યું.

“ત્યારે તમે કેમ આમ સૂનમૂઢ થઇને બેઠાં છો ?” ગંગાએ પૂછ્યું, “કહો ન કહો, પણ મોટી બેહેન, તમોને કંઇ પણ થયું છે ખરું.”

કમળાએ કંઇ પણ જવાબ દીધો નહિ. તે અબોલ રહી, પણ ગંગાએ પાછું પૂછ્યું ને તેની આંખમાંથી ડબક દેતાં કે આંસુ ખરી પડ્યાં.