આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૫
વિપત્તિપર વિપત્તિ

બરદાસ્ત મારાથી થશે તેટલી કરીશ.” ગંગાએ ખરા અંતરથી જવાબ દીધો.

“પણ લોકો મને શું કહેશે ? અધૂરામાં પૂરું પેલી પરેશાન પણ આવી નહિ !” પોતાની સ્ત્રીપર ગુસ્સે થઈને કેશવલાલ બોલ્યો.

“નહિ આવ્યાં તો થયું શું ? હું છું કેની ? સુરતમાં પણ કોઇ ઘરની હોંસ રાખનારું જોઇએ કેની ? તમે જઇને ભાભીજીને મોકલી દેજો એટલે બસ” એમ બોલી તેણે તેના ઉકળતા પિત્તાને શાંત કીધો.

ખરેખર આવું આજે કેટલા હિંદુ ઘરસંસારમાં જોવામાં આવે વારુ ? દરેક ઘરમાં જોશો તો નણંદ ભોજાઇ, દેરાણી જેઠાણી, દીએર ભોજાઇ, ભાઈએ ભાઈ, સાસુ વહુ, બાપ દીકરો, સર્વેમાં ક્લેશ જોવામાં આવે છે; એક બીજાની બેદિલી જણાય છે; અન્યોન્ય લડાઇ જાગે તે જોવાને સઘળા ખંતી હેાય છે; અને એક બીજાનું ભુંડું થાય તેમ કરવાને તત્પર હોય છે.

પણ અહીં એક સદ્દગુણ મૂર્તિ એવી તો છે કે જ્યાં ત્યાં સુલેહ સહજ આનંદ વર્તે તેમ કરવાને મથે છે. સર્વેના સ્વભાવ તપાસી લે છે. અને જગ્યાએ ગંગાને બદલે કોઇ તેવી બીજી સ્ત્રી હોત તો ખરેખર લગાર રંજક મુકત અને સજ્જડ સળગત. કેશવલાલ જાતે તાતા સ્વભાવનો હતો, ઓફીસમાંથી જ સાહેબના ઓરડરથી ગુસ્સે થયો હતો, ને તેમાં પોતાની સ્ત્રી મુંબઇ નહિ આવી તે માટે ઘણો બબડ્યો હતો, ને તેમાં જો જરાક સળગાવ્યું હોત તો સુરત જાત ત્યારે ઘરમાં ધમાચકડી કરી મૂકત. પણ ગંગાના બોલવાથી જ તે શાંત થયો. તેનું બોલવું એવું તો મધુર ને પ્રિય હતું કે કેશવલાલનો રોષ નરમ પડ્યો.

થોડો વખત ગંગાના પ્રિય ભાષણપર વિચાર કીધા પછી, તે બોલ્યો-“ઠીક છે, હું આજે જાઉં છું, પણ તમે માજીની બરાબર બરદાસ્ત રાખજો. હું આજે સુરત જઇને તમારી જેઠાણીને મોકલી દઉં છું; એટલે તે તમને ઘણી સહાયકારક થઇ પડશે.”