આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૧
લલિતાનું મૃત્યુ


“હું તમોને મળીશ,” કાગળમાં લખ્યું હતું. “પ્રાણવલ્લભે ! પ્રિય કમળી! રે મારી ભવિષ્યની-મને ક્ષણભર મળશે ? મળજે.”

હાયનો એક નિ:શ્વાસ કમળીએ ઘણા જોરથી મૂક્યો. તે બોલી, હવે એ લલુતા ખોટી જ !” એમ બોલીને તે ધીમે ધીમે લથડતી ઘરમાં ગઈ ને કાગળ ફાડી નાખ્યો.




પ્રકરણ ૨૬ મું
લલિતાનું મૃત્યુ

લિતાબાઈનો મંદવાડ ધીમે ધીમે વધવા માંડ્યો, ને જ્યારે કિશોરલાલ ભરૂચથી પાછો ફર્યો, ત્યારે તેની તબીયત તદન હાલબેહાલ હતી. કિશોર આવતાને વાર પોતાની માતાના સૂવાના ઓરડામાં ગયો ને તેનો ચહેરો જોતાં જ તેની ખાત્રી થઈ કે હવે માજી ઘણા દિવસનાં પરોણાં નથી. કિશેારના ઘેર આવવાથી ગંગા ઘણો હર્ષ પામી, તથાપિ તે કંઈ તેના પ્રાણનાથની પછાડી દોડીને બીજાં કામમાં ખલેલ પડે એવી ગાંડી ઘેલી થઈ નહિ. પોતાનું સઘળું કામ તે યથાસ્થિત ચલાવતી હતી; એટલું જ નહિ પણ કિશોરના ઘેર આવ્યા પછી પોતાનાં પૂજ્ય સાસુની સેવામાં વધારે તન દેવા લાગી. આપરથી એવું માનવાનું કારણ નથી કે તે પહેલાં એાછા મનથી સેવા કરતી હતી.

વૈદ્યોએ લલિતાબાઈની તદન આશા મૂકી ને ઔષધ આપવું પણ બંધ પાડ્યું. કેશવલાલ પોતાના સાહેબ જોડે અમદાવાદ ગયો ખરો, પરંતુ તેનું મન ત્યાં ટક્યું નહિ. સુરતમાં ગયો ત્યારે સહજ ધાંધલધુંધલ કીધી, પણ એવા તેના તોફાનથી ડરી જાય તેવી તુળજાગવરી નહોતી. તે જો કે હસમુખી હતી, તો પણ સાસુના દુ:ખે સ્હોરાયલી ને સુકાયલી જેવી દિસતી હતી, કદીમદી બહુ તીક્ષ્ણ કટાક્ષ મારવામાં નિપુણ હતી. કેશવલાલે ઘણું કહ્યું ત્યારે ટપ દેતી કે બોલી જે “માને માટે એટલું બધું લાગતું હતું તે તમે જ કાં આવ્યા ?” આ શબ્દો વજ્ર-