આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨
ગંગા–ગુર્જર વાર્તા

બાણ પેઠે કેશવલાલના મનમાં વાગ્યા, ને અમદાવાદ જઈને બે માસની રજા લઈ તે પાછો મુંબઈ આવ્યો.

એક દિવસે સંધ્યાકાળે લલિતાએ પોતાનાં પુત્ર પુત્રી તથા વહુ વારુ સર્વને પોતાની પાસે બોલાવ્યાં, ને જણાવ્યું કે “હું જલદી મરણ પામવાની છું, માટે મને પાછી સુરત લઈ જાઓ કે અશ્વિનીકુમારનો કાંઠો પામું." તે બહુ દયા ઉપજે તેવે હલકે સ્વરે બેલી, ને તેનું તે વેળાનું બોલવું એવું તે કરુણામય હતું કે સૌની અાંખેામાંથી અશ્રુ ધારાઓ વહેવા લાગી. ઘણાં ઘરડાંનાં મનમાં એવો વહેમ હોય છે કે તીર્થને કાંઠે મરણ થાય, ને ત્યાં અગ્નિદાહ કરવામાં આવે તો તેથી તેના આત્માનું શ્રેય થાય છે. સુરતને ગુપ્તેશ્વરનો કાંઠો ઘણો પવિત્ર ગણાય છે, ને તાપી નદી તે સૂર્યની પુત્રી છે. તેના સમક્ષ બળવું તે કંઈક મોટા ભાગ્યની વાત ગણવામાં આવે છે. એ કાંઠાના પવિત્રપણા માટે એવું કહેવામાં આવે છે કે ત્યાં જે પ્રાણીને આગ્નિસંસ્કાર કરવામાં આવે છે તેનું એક હાડકું બળ્યા વગર રહેતું નથી. બાળ્યા પછી જે કૂલ પડે છે, તેવાં કૂલ પણ કવચિત્ ત્યાં રહે છે. તાપી નદીનો કાંઠો ગંગા-યમુના જેવો પવિત્ર ગણાય છે, ને તેથી સુરતમાં મરવાનું લલિતાએ વધારે પસંદ કીધું.

કિશોરે કહ્યું, “મા, અહિયાંથી તને પાછી સુરત લઈ જવી એ ઘણું મુશ્કેલ છે, માટે અહીંઆ જ રહે તો ઘણું સારું, આપણે હોંશિયાર ડાક્ટરની દવા કરીશું.”

“ભાઈ, અમથાં વેવલાં મૂકી દે,” ડોસીએ પાંચ કકડે એક વાક્ય પુરું કીધું. તેટલામાં તો શ્વાસ બહુ ચઢી આવ્યો ને બે મીનીટ બોલી શકી નહિ. પછી પાછી શુદ્ધિપર આવી ને તે બોલીઃ “હવે મારું આવરદા આવી ચૂકયું છે. મને ખાત્રી થઈ છે કે હું ભાગ્યે અઠવાડિયું કહાડીશ, તો પછી વૈદ ને ડાકટરને પૈસા ખવડાવવા શા કામના ? આવરદાએ ઉપાય છે, તો હવે આવરદાની દોરી તૂટવા પર આવી છે