આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગંગા
એક ગુર્જર વાર્તા

પ્રકરણ ૧ લું
ખરેખરી સુખી તે હું જ છું!

“ગંગા ભાભી ! ઓ ગંગા ભાભી ! તમે શું કરો છો ?”

“મોટી બહેન ! મને બોલાવો છો ? જરાક વાંચવા બેઠી છું.”

“સાયંકાળ થવા આવી છે, જો તમારી ઇચ્છા હોય તો દેવમંદિરે આવવાની પિતાજીએ આજ્ઞા આપી છે ત્યાં જઈએ;” કમળા, જે ગંગાના પતિની બહેન હતી, તેણે જવાબ આપ્યો.

“ચાલો ત્યારે હું તૈયાર છું;” બીજા ઓરડામાંથી, દિવાનખાનામાં પોતાની નણંદ બેઠી હતી, ત્યાં આવતાં ગંગાએ કહ્યું અને તુરત દિવાનખાનામાં વધારે અંધારું હતું ત્યાં દીવાસળી ઘસીને દીવો કીધો, અને પોતાના હાથમાંનું પુસ્તક કબાટમાં મૂકીને મનમોહક હાવભાવથી લૂગડાં બદલવા તે પોતાના ઓરડામાં ગઇ. તે સમયનું તેનું સૌંદર્ય અદ્ભુત લાગતું હતું, ત્યારે તો એનું યથાર્થ વર્ણન અત્રે કરવું જરૂરનું છે.

પરાપૂર્વથી જ જણાયું છે કે, સૂર્યપુરની સ્ત્રીઓ ઘણી સુકુમાર અને કોમળ હોય છે. તેમાં નાગર વાણિયાની સ્ત્રીઓ વધારે મોહ પમાડે તેવી હોય છે; પણ યથાર્થ રીતે જો હું બોલું તો એ જ ખરું છે કે આ વાર્તાની નાયિકા ગંગાના જેવી ખૂબસૂરત એક પણ સ્ત્રી આખા સુરત શહેરમાં ન હતી. તેણી કંઈ જન્મથી સુરતની નહતી. તેના પિતાનું ઘર તો વડોદરામાં હતું. નાનપણથી જ તે ચંચળ, સુંદર અને ફુટડી હતી.