આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
ગંગા-ગુર્જર વાર્તા

લાગી, ને તે બોલી, “હાય હાય, હવે મારો તો કોઇ વાલી વારસ જ નથી, મારું શું થશે ? ઓ મા, તારા પહેલાં હું કાં ન મુઇ, મારા દહાડા હવે કેમ જશે ?” આમ આક્રંદ કરતી જોઇ ગંગા તેને દૂર લઈ જઈને દિલાસો આપવા લાગી. સઘળાં જ રડતાં હતાં. કિશોરલાલ રાત ને દિવસ તેની આસપાસ બેસી રહેતો હતો. કેશવલાલે ડોસીને પૂછ્યું કે “તારી કંઇ પણ ઇચ્છા છે ? હોય તો તે કહેજે.” તેણે ગૌદાન કરાવવાનું કહ્યું ને તરત એક સવત્સા ગાયનું દાન કરાવ્યું. સઘળાંએ આસપાસ બેસીને તેમની તબીયત સાચવતાં હતાં. ડોસીથી કંઇ પણ ખવાતું નહોતું ને સાબુ ચોખાની કાંજી પાવામાં આવતી તે પણ પચતી નહિ.

આ પ્રમાણે ત્રણ દિવસ ને ત્રણ રાત્રિ વીતી ગયાં. ચોથા દિવસની પ્રભાતમાં સહજ કિશોરની આંખ મળી છે, તેવામાં કેશવલાલે બૂમ મારી, “ભાઇ, ભાઇ ઉઠોની, આપણાં માતુશ્રીની તબીયત જુઓ. તરત હાંફળો ફાંફળો કિશેાર ઉઠ્યો ને જેવો જોવા જાય છે તો માત્ર છેલ્લાં ડચકીયાં ખાતી પોતાની માતાને જોઇ. બૈરાંએાએ આસપાસ કોલાહોલ જેવું કરી મૂક્યું, અને એક પળમાં લલિતાબાઈ આ દુનિયામાંથી પોતાનો આત્મા ઉઠાવી ચાલતાં થયાં. હાથ, પગ ને આખું શરીર ઠંડાગાર થઇ ગયાં. થોડીવારે દેહના પંચતત્ત્વના બંધારણમાંથી ચાર તત્ત્વ ઉડી ગયાં ને માત્ર પૃથ્વીનો ભાગ પડ્યો રહ્યો.

ઘરમાં રડારોળ થઇ રહી. તેમાં કમળીનો આક્રંદ ખમાય તેવો નહોતો. તે સર્વથી વધારે તીક્ષ્ણ લાગણીથી રડતી હતી. તેણે પોતાના કેસ તોડી નાખ્યા, માથું કૂટી નાખ્યું, ને છાતીમાંથી રક્ત કાઢ્યું. “હવે હું કોને આશરે રહીશ ? રે માજી! તેં કંઈ મારો વિચાર કીધો ? હાય હાય ! મારે માથે પરપેશ્વરે વૈધવ્ય દુ:ખ આપ્યું તે હું ખમી શકી પણ હું હવે કોને આસરે જઇશ ? રે માવડી, મને તારી સાથે કેમ નહિ તેડી લીધી ? મને એકલવાઇ મૂકતાં તને વિચાર નહિ થયો ? રે મારું શું થશે ?” એવા તેના શબ્દોએ તેના ભાઇઓની ધીરજ મૂકાવી છે