આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬
ગંગા-ગુર્જર વાર્તા

થયું હોય તે કારણથી નહિ, પણ એ ઘરમાં જ્યારે જ્યારે આવી રહે છે ત્યારે ત્યારે એને જવું જ ગમતું નથી. તે પોતાના મનમાં હિજરાયા કરે છે. તેની જીભ બંધ થઇ ગઇ છે, ને પોતાના ધંધામાં ચિત્ત લાગતું નથી. કિશોરલાલ કદી કદી તેને મળવા જાય છે, ત્યારે જીભના ટેરવાપર કેટલાક શબ્દો આવે છે, ને કિશોર તે સાંભળવા તત્પર જણાય છે, પરંતુ નીકળેલા શબ્દો હોઠમાં જ સમાઇ જાય છે. જો કે કિશોરલાલ આ સઘળું જાણતો હતો, પણ તેનાથી તે બાબત કંઇ પણ થાય તેવું ન હોવાથી તે મુંગેાજ રહેતો હતો.

કમળીના સુખ માટે કિશેાર તથા ગંગાને ઘણી કાળજી હતી પણ ઇલાજ શો ? કમળી ડાહી ને સમજુ હતી, ભણેલી ને સાથે ગણેલી હતી, ગંભીર ને વિવેકી હતી, પણ જ્યારે હૈયાના ભીતરમાં અગ્નિ સળગે છે ત્યારે તેને છાંટવાની શકિત અલ્પ સામર્થ્યના મનુષ્ય પ્રાણીમાં હોતી નથી, તો એક અબળાનું શું ગજું ? તેણે પોતાનો વખત ગાળવાને માટે એક કન્યાશાળામાં ઉપરીપદ લીધું, પરંતુ ત્યાં પણ ગોઠ્યું નહિ, તેથી માસમાં કંટાળીને નોકરી છોડી દીધી. હાલમાં તે ઘરના એકાદ ખૂણામાં ભરાઇને વખત બેવખત રડવાનાં ડચકીયાં ખાતી જણાય છે, ને ગંગા તેને ઘણું સમજાવે છે, પણ તેના હૃદયમાં કંઇ જ ઉતરતું નથી. તેની શરીરશક્તિ એવી તે નિર્ગત થઇ છે કે સર્વ કોઇના લક્ષમાં આવ્યું કે તે હવે બચવાની નથી.

એક દિવસ પ્રભાતના ગંગા ને કિશોરલાલ બંને વાતે વળગ્યાં છે ને કમળાની સ્થિતિ સંબંધી વાતચીત કરે છે. ગંગાએ જણાવ્યું કે “મોટી બેહેન ઘણું ગળી ગયાં છે, ને તેમના શરીરમાં માત્ર હાડકાં ચામડી જ રહ્યાં છે. પતિવ્રત પાળવું એ દુર્ધટ છે. પણ દેશાચાલનો ઉચ્છેદ શી રીતે થાય ! ગઈ કાલે મેં મોતીલાલને આપણી વાડી તરફ જતા જોયો'તો, તે પણ સરડાઈ ગયો છે, ને મને લાગ્યું કે જો એ બંનેનાં લગ્ન નહિ થાય તે બેશક એકનું તો શું પણ બંનેનાં મરણ નીપજશે