આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૭
ગંગા

હતાં તેટલામાં ગંગાનો પિતા તેની ત્રીજીવાર ખબર લેવાને આવ્યો હતો, ને તેણે એક હજારની નોટ ગંગાને વાપરવાને આપી. આ નોટો ગંગાએ તરત કિશેારના હાથમાં મૂકી દીધી ને કેટલોક સામાન વેચતો અટકાવ્યો. ઘરમાં ઘણા નોકરો હતા તેમાંથી ત્રણેકને રજા આપી. જો કે તેઓ વગર પગારે રહેવાને ખુશી હતા, પણ કિશોરને તેમ કરવું ગમ્યું નહિ. હાલમાં જ્યારે પૈસાની તાણ હતી ત્યારે દમામ રાખવો, એ તેમને યોગ્ય લાગ્યું નહિ. માત્ર રામે, એક દાસી ને ભટને જ જોડે લીધાં. જે દિવસે ગંગા ને કિશોર જવાને નીકળ્યાં, તે દિવસે ઘરમાં પાડપડોસી ભરાઇ ગયાં હતાં. સઘળાની આંખમાં આંસુ આવી રહ્યાં. ગંગા પણ સજળ નેત્રે સર્વેને જોતી હતી; તે બેાલવાને હિંમત કરી શકી નહિ, પણ સાન કરીને પોતાના ચાકરોને બોલાવી કેટલુંક ઇનામ આપવા માંડ્યું, પણ કોઇપણ ચાકરે તે લેવાને હાથ લંબાવ્યો નહિ. સૌ રડવા લાગ્યાં, “અમને શું તમે આવીને પાછાં નહિ બોલાવો ?” એમ દરેક જણ પૂછવા લાગ્યાં. સઘળાને દિલાસો આપ્યો. વેણીગવરી સુરત જવાને રાજી નહોતી, મણીને જરા પણ ગમતું નહોતું, તુળજાગવરી પણ મંદમંદ રડવા લાગી. આમ ઘરમાં એક શોકકારક દેખાવ થઇ પડ્યો હતો; જો કે માથેરાન કંઇ આઘી જગ્યા નહોતી, તો પણ ગંગાને છોડીને જવાને કોઇને પણ ગમ્યું નહિ.

અંતે સર્વ મળી ભેટી, જાણે કે નમસ્કાર કરી, સર્વનો ઉપકાર માની ગંગા ગાડીમાં બેઠી ને પોતાની પડોસી દક્ષિણ મૈત્રિણી કે એમના - ધણીના - મિત્રની ધણિયાણી સર્વેને સરખા વહાલથી મળી તેણે અગાડી ચાલવા માંડ્યું. સઘળાંએ તે ગઇ ત્યાં સૂધી તેની ગાડીને જોઇ રહ્યાં. “આવજો, વહેલાં આવજો, કાગળ લખજો, એવા શબ્દો સંભળાયા ત્યાં સુધી સૌને જવાબ દીધો. સઘળા સ્નેહીઓએ જ્યાં સૂધી રજ ઉડતી દેખાઇ ત્યાં સૂધી નજર કીધી, ને પછી આપણી પડોસમાંથી એક અમૂલ્ય રત્ન ગયું એમ બેાલતાં શોક ભરેલે ચહેરે સઘળાં વિખરાઇ ગયાં.