આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૯
કરમાયેલું કુસુમ

બગીચાનો માળી પોતે કામે વળગેલો હતો, બીજી બાજુએ એક ખુરસીપર કિશોરલાલ અંગ્રેજી રોજીંદું પત્ર વાંચતો હતો, ત્રીજી બાજુએથી ઓવારાપરના લોકોના ગડબડાટનો અવાજ આવતો હતા. સામેપાર કુદરતની ખૂબી છવાઇ રહી હતી. કિનારાપર ઝાડોની હારની હાર એવી લાગી રહી હતી કે, કોઇ કોઇ સ્થળે સૂર્યનાં કિરણોનો પ્રવેશ થવા પણ મુશ્કેલ થઈ પડતો હતો. ત્યાં એક કાગડાનું જૂથ ભેગું થઇને દોડાદોડ કરી મૂકતું હતું, તેપર કિશેાર દૃષ્ટિ લગાવીને વિચાર કરતો હતો કે, મનુષ્ય પ્રાણી કહે છે કે કાગડાનું આયુષ્ય મનુષ્યની સાત પેઢી જેટલું લાંબું હોય છે તે શું સાચું ? કોની પાસે તેની સાબીતી છે? ગંગા મોહિની ભરેલે ચહેરે વૃક્ષોને સીધાં કરી, પાણી સિંચી પોતાના પ્રિયને જોતી હતી, ને પાછી પોતાના કામમાં વળગી પડતી હતી. બાગના ક્યારડાઓમાં અહીં આવ્યા પહેલાં માળીએ એક બટમોગરો રોપ્યો હતો, તેનું ગંગાએ જાતે જ જતન કીધું ને તે પર તે બહુ વહાલ રાખતી હતી. બાગને ચાર ભાગમાં વહેંચી નાખ્યો હતો, ને વચોવચ એક નાનો ફુવારો કીધો હતો. સમચોરસ ક્યારડાઓમાં એકમાં સીસાની પાળ, બીજામાં નળિયાં, ત્રીજામાં ઈંટ ને ચોથામાં કાચની પાળો બાંધી, તેમાં વળી નાની કયારડીઓ કીધી હતી. આ વખતે આમાંની એક ક્યારડીમાં પાણી સિંચતી તે પોતાના વહાલા બટમોગરાને પાણી સિંચવા આવી; પણ કમનસીબે તે છોડવો તદ્દન કરમાઇને મૃત્યુ પથારીએ આવી પડ્યો હતો ! આવો દેખાવ જોઇ તે એકદમ ગભરાઇ ને પોતાના મનમાં જ કંઇ અનેક તર્ક વિતર્કો આવ્યા તેથી તે ઠરી ગઇ ! તત્ક્ષણે ડાબા હાથમાંનું પાણી સિંચવાનું વાસણ જમીનને, અને જમણા હાથની ટચલી આંગળી ગંગાના હોઠપર એકદમ જઈને અથડાઈ ને તે મનમાં બેલી: “રે મારો પ્રિય મોગરો ગયો, હાય ! એ શું બન્યું !” આટલું બોલતાં તો તે જડભરત માફક ઠરી ગઇ; તેનાથી નહિ હલાય, નહિ ચલાય, નહિ બોલવાની શુદ્ધિ રહી, ને તે એકદમ ઘણી ગભરાટમાં પડી ગઇ !