આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખરેખરી સુખી તે હું જ છું !

સોળ સત્તર વર્ષની સ્ત્રીને યોગ્ય હતો. તેમાં લીલી કાચી કેરી જેવી સફેદ ફુલબુટ્ટાની ચોળી પહેરી હતી, જેથી મુખ આગળની આકૃતિનો બહાર લગાર વિશેષ ઠસ્સાવાળો લાગતો હતો ને પીઠપરથી ફુલબુટ્ટા, સાળુમાંથી જરેજર દેખાતા હતા - અંગ હાલે ત્યારે તે જાણે પદડામાં રહેલો નાગ ડોલતો હોયની, તેવો ભાસ કરાવતા હતા. ગળામાં ઉંચા પ્રકારનાં મોતીનો ત્રણ સેરનો છડો ઘાલ્યો હતો, અને હાથમાં ઝીણા દ્રાક્ષના વેલામાં મોતી ગોઠવેલી તાસેલી બંગડી ને રૂઈફુલ પહેર્યા હતાં, તે સ્હોડમાં હાથ છતાં ઝરમરિયા સાળુમાંથી સ્પષ્ટ દેખાતાં હતાં. ઉપર ચોળીને છેડે જરકસી ચળક મારતું મોળિયું બાંધ્યું હતું. ડાબા હાથની છેલ્લી આંગળીએ એક હીરાની વીંટી પહેરી હતી. પગમાં નાજુક પણ ઘણી ઘુઘરીથી ભરેલાં લંગર પહેર્યા હતાં; કપાળમાં ઝીણો સિંદુરનો ચાંદલો હતો ને જ્યારે તે સ્મિત હાસ્ય કરતી ત્યારે ગાલમાં સહજ ખાડા પડતા હતા - તેના ઉપર આવેલા તલવડે તે સમયના હાસ્યથી મુખ કંઈ ઓરજ રીતની છબી બતાવતું હતું. કુલીન સ્ત્રીને છાજતા નમ્ર વેણથી મધુરું મધુરું બોલતી, તેમ પગલાં ઉપાડતી તે ઘણાં ધીમાં ધીમાં ઉપાડતી હતી. તેનો હસતો ચહેરો આજ કરતાં કવચિત જ વધારે સુંદર દેખાયો હશે.

છતાં નાયિકા ગંગા કંઈ આજે જ આટલી બધી ખૂબસૂરત દેખાય છે એમ નથી. તેનો દેખાવ હમેશનો જ એવો છે. પણ કોઈની આજ્ઞાથી કંઈ પણ કામ કરે છે, ત્યારે વળી રોજ કરતાં વધારે મગ્ન રહે છે. આજની એની આંખ, એનો ચહેરો, એનો હાવભાવ, એના બેાલવાની ઢબછબપરથી આટલું તો સિદ્ધ થાય છે કે, તે હંમેશ કરતાં પણ આજે વધારે ખુશ છે. પણ એ વળી વધારે ગંભીર અને ધીરી છે તથા કામગરી-કહ્યાગરી– આજ્ઞાપાળક છે. સુરતમાં, ખરેખર એના જેવી સુરત કોઈની ન હતી.

“મોટી બહેન ! હવે તમારી વારેવાર, હું તો તૈયાર થઈ છું.” ગંગા દિવાનખાનામાં આવીને હસતે મુખે બોલી. “ભાભીજી આજ આવવાનાં છે કે નહિ ? સસરાજી તો સૌને આવવાનું કહી ગયા છે.”