આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૫
શોકસદન

થઈ ગયો હતો; કેમકે લોહી ને માંસ ઉડી ગયાં હતાં. તાવથી કરીને તેનાં હાડકાં ભાંગી ગયાં હતાં ને કંઈ પણ ખવાતું નહોતું, તેથી બોલવાની પણ શુદ્ધિ જોઈએ તેવી નહોતી. રતનલાલના મનમાં આ બંને ભાઈ બહેનની જરા પણ આશા જણાઈ નહિ, તેણે મનમાં જ કહ્યું કે “હવે કિશેાર આપણો નથી.”

ચાર દિવસ રહી સઘળા પ્રકારની ગોઠવણ કરીને ગંગા, કિશેાર ને મણિ, રતનલાલ સાથે સુરત આવ્યાં. રતનલાલ પોતે જ અચ્છો ડાક્ટર હતો, તેથી તેણે અૌષધ જારી કીધાં, અને પોતાની સહાયતામાં ઘણા સારા ડાક્ટરોને રાખ્યા. સઘળા પ્રકારના કહેલા ઉપાયો કરવામાં મણા રાખી નહિ, પણ જ્યાં મોતના દૂતો આવ્યા હોય ત્યાં કોઈ શું કરે ? આવરદાએ ઉપાયો કરવામાં આવે છે, બાકી સૌ વેવલાં છે. ગમે તેટલા ઉપાય કરો, પણ જ્યાં આયુષ્યરેષા તૂટી ત્યાં શું કરશો? તે વખતે તો ધનવંતરિ કાં નહિ આવે, પણ જેનું આયુષ્ય ઘટ્યું, તેનાપર તેનો પણ ઉપાય નથી ચાલતો. કિશેારની માંદગી ક્ષય રોગની હતી ને તે થવાનું કારણ ચિંતા ને અગાધ શ્રમ હતો. મણિની માંદગીનું પણ તે જ કારણ ગણવામાં આવતું હતું. ડાક્ટરોએ એ મણિને માટે મોટો શ્રમ લીધો, પણ જેમ જેમ અૌષધ આપવામાં આવતું, તેમ તેમ માંદગી વધવા માંડી. તેના અંગમાં સઘળે રોગ ભરાઈ ગયો. ચેહેરો એટલો બધો બદલાઈ ગયો હતો કે, કોઈ એક બે વાર જોયેલો માણસ તો શું, પણ પાંચ પચીસવાર જોયલો માણસ પણ તેને જોઈને પીછાણી શકે નહિ. વધારે ચિંતા તો મણિને પોતાના ભાઈ કિશોરની હતી. ઘડી ને પળે કિશોરની તબીયત માટે તે પૂછતી ને તેને મળવા જવા કહેતી, પણ અશક્તિથી ઉઠાતું નહિ. ધીમે ધીમે એના અંગમાં ઘણા જોરમાં કળતર થવા માંડી, ને તે દરદ છેલ્લી રાત્રિના વધી પડ્યું. ક્યાં દરદ થતું ને કેવા પ્રકારનું થતું, તે જણાવવાને એ અશક્ત હતી. બીજે દિવસે સાંઝના તે વધારે