આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૬
ગંગા–ગુર્જર વાર્તા

નબળી થઇ ગઇ. તેના ડોળા ફાટી ગયા, તેની બોલવાની શુદ્ધિ જતી રહી. માત્ર તે કંઇપણ બોલતી તો “કિશોરભાઈ!” એ શિવાય બીજું કંઈપણ બોલી શકતી નહિ. ઘણી મહેનતે કાંજી પાઇ, ને તે કઠાવતિયે તેણે પીધી. ગંગા તો કિશોરની પાસે બેઠેલી હતી, તે ત્યાંથી ખસી શકી નહિ, કેમકે તેની પણ તબીયત સારી નહોતી. રતનલાલ, વેણીલાલ ને કેશવલાલ, તુળજાગવરી ને વેણીગવરી સઘળાં બહેન પાસે બેઠાં હતાં. સૌ તેની તરફ જોઇ રહ્યાં હતાં. સૌની આંખો સબળ થઇ ગઇ હતી. સૌના મોંથી મણિના ગુણનું ગાન થતું હતું. છેલ્લી ઘડીએ ગંગા ઘડીએ ને પળે ફેરા મારી જતી હતી ને તે ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડતી હતી. “મણિ બહેન, કંઇ કહેવું છે?” એમ તે નીચી વળીને ધીમેથી પૂછતી, તો મણિ “કંઇ નહિ” એટલો જ જવાબ દેતી. વળી તે ઘડીમાં સાવધ થઇને ગંગાને પૂછતી કે “કિશોરભાઈને કેમ છે?” તેનો જવાબ સાંભળી તે ગુમ થઇ જતી હતી. ઘડીમાં તે ઝંપાઇ જતી ને ઘડીમાં તે જાગૃત થતી હતી. પેટમાં જે દુખાવો થતો તેથી વખતે તેનાથી બૂમ પડાઇ જતી હતી. મધરાત્રિ થતાં પેટમાંનો દુખાવો મટ્યો, ને તે જ પળથી તે વધારે ઠંડી પડતી ગઇ. તેનાં તરફડીયાં નરમ પડ્યાં, તેના હૃદયમાં તેજસ્વી મહાપિતાનું અનુપમ અલૌકિક રાજ્ય દેખાયું, એટલે તે સ્થિર થઇ પડી. હવે માત્ર શ્વાસોચ્છ્વાવાસ ચાલતો હતો અને રાત્રિની પૂર્ણાહુતિને સમયે, જ્યારે અરુણ પોતાની દિવ્ય શક્તિ જણાવતો હતો, ને રાત્રિનું ઘોર અંધારું ખૂણાખોચરામાંથી નાસતું ફરતું હતું, ઘુવડ આદિ પક્ષીઓ સંતાઇ જતાં, ને અર્ધા ઉંઘતા ને અર્ધા જાગતા પહેરેગીરો “ખેર આફીયત” પોકારવા પોતાના ઉપરીને ત્યાં જતા હતા, પક્ષીઓની ચીંચીં ચાંચાં શરુ થઇ હતી, ને માદાઓ પોતાનાં બચ્ચાંને લઇને ઉડતી હતી, દેવાલયોમાં ઘંટાનાદ ને શંખનાદો ચાલુ થયા હતા ને ઉદ્યમી પુરુષો ઉદ્યમે વળગ્યા હતા, કોઈ કોઈ ઘરમાં ઉજમાળાં સ્ત્રી પુરુષો ઉઠીને દાતણ પાણી કરવાને વળગ્યાં હતાં; તેમ જ જે ઘરમાં મરણ