આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગંગા–ગુર્જર વાતો

જ્યારે પૂજારીઓ ઠાઠમાઠથી શણગારે છે ત્યારે તેનું સ્વરૂપ સુંદર અને શાંત જણાય છે.

ગંગાને માતાપર ઝાઝો ભક્તિભાવ નહતો. તે તો માત્ર એક જગત નિયંતાને ભજનારી હતી. પણ વડીલની આજ્ઞાનુસાર વર્તવામાં હંમેશ તે તત્પર રહેતી હતી. સવારના ઘેરથી જતી વેળાએ મોહનચન્દ્રે ઘરનાં સઘળાં છોકરાં છૈયાંને ત્યાં આવવાની આજ્ઞા કીધી હતી. પણ મોહનચન્દ્રની ભાર્યાનો વિચાર સૌથી ન્યારો હતો. જે કહેવામાં આવે તેથી ઉલટું કરવું, ઘરમાં સૌને રંજાડવાં અને સુખે ખાવું નહિ ને ખાવા દેવું નહિ, એવો તેનો સ્થાપિત નિયમ હતો. સપરમે દહાડે તો એ શેઠાણીને મન કંકાસનો સૂર્યોદય હતો. તેથી આવે રુડે દિવસે તે ક્વચિત જ શાંત રહેતી હતી અને રહે ત્યારે એમ જ જાણવું કે, “આફતાબ અગરેબથી મગરેબ' ગયા છે. આ કારણથી સવારથી જ તેણે ક્લેશ માંડ્યો હતો; અને પોતે જવું નહિ, અને કોઈને જવા દેવાં નહિ; એ જ વિચાર તેણે દૃઢ કીધેા હતો. કુટુંબની વ્યવસ્થા સંબંધી વાત અગાડી આવશે, પણ આ સ્થળે એટલું જ કહેવાનું કે માત્ર ગંગા, કમળા, મદન ને વેણુગવરી શિવાય કોઈપણ આ સમારંભમાં દાખલ થયું નહિ.

રાત્રિના આઠ વાગ્યા હતા. માતાના દેહરામાં “જય કાળી,” “જય ભવાની,” “જય દુર્ગા” “અંબે માતકી જે"ના અવાજો થતા હતા. મોહનચન્દ્રે ત્રણ વખત બહાર નીકળી ગંગા અને કમળાની રાહ જોઈ, પણ જ્યારે તે ન દેખાયાં ત્યારે નિરાશ થઈને મંદિરમાં પાછા ફર્યા હતા. પણ ચોથી વેળાએ જેવો તે બહાર નિકળ્યો કે ગંગાને જોઈને તેને અત્યંત હર્ષ થયો, તે એકદમ બેાલ્યોઃ “કેમ તમે સૌ આવ્યાં ? આવો, બહુવાર લાગી હો !”

“હા પિતાજી, લગાર વિલંબ થયો છે, પણ મદને વાર લગાડી, બાકી તો સવેળા આવત.” કમળાએ વિનયથી ઉત્તર આપ્યો.