આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧
કમળાની મૂર્ચ્છા

પણ બ્રાહ્મણોની ઇચ્છા એમ નહતી. તેઓને દક્ષિણાનો અતિશય લોભ, તેથી કોઈને પણ જવા દેવાને નારાજ હતા. તેઓએ મોટો કોલાહલ કરી મૂક્યો, કમળાની આસપાસ તેઓ વીંટાઈ વળ્યા. કોઈ તેને પાણી છાંટતા ને કોઈએ કોલનવોટર લાવીને ઠંડક કીધી. ગંગા ને વેણી, કમળાની બાજુએ બેસીને ઘણી આતુરતાથી આસનાવાસના કરતાં હતાં. કમળા તો એવી મૂર્ચ્છિત અવસ્થામાં પડી હતી કે, તેનું તેને જરાએ ભાન નહતું. આશરે પા કલાક પછી કમળાએ શરીર હલાવ્યું, આંખ ઉઘાડી.

“બહેન, બહેન, તમને શું થયું છે ? જરા તો બોલો.” ડચકિયાં ખાતાં ખાતાં ને ધ્રુજતાં ધ્રુજતાં ગંગાએ પૂછયું, “બોલો, છે શું ? તમને જે કંઈ થયું હોય તે મને કહો, તમે ગભરાઓ છે શા વાસ્તે ? જરા તો બોલો, મોટી બહેન ?”

“પાણી ! પાણી ! મને જરા પાણી પાઓ, મારું ગળું સોષાઈ જાય છે. મારાથી જરા પણ બોલાતું નથી. ઓ માતા ! માતા ! પિતાજી તમે છો કે ?”

“શું છે બહેન કમળી ? અરે કોઈ પાણી લાવો.” તુરત પાણી લાવીને પાવામાં આવ્યું. બેઠી થઈને કમળાએ પાણી પીધું. તેના નેત્ર રાતાં હિંગળોક જેવાં થઈ ગયાં હતાં. બ્રાહ્મણો માંહેમાંહે બોલવા લાગ્યા કે, એના શરીરમાં ખચીત માતાએ પ્રવેશ કીધો છે.

“કમળી, તને કંઈ વિચીત્ર દેખાયું હતું ?” એક બ્રાહ્મણે પૂછ્યું.

“ના, મને કંઈ થયું નથી ને કંઈ દેખાયુંએ નથી.” કમળાએ જવાબ દીધો. જો કે જવાબ લગાર તોછડો હતો, તથાપિ તે ગુસ્સાનો ન હતો. “પિતાજી ! મારું શરીર ઘણું સાલે છે, હવે મને જવા દો, નહિ તો અંબામા ઘણી ગુસ્સે થશે !”

“બેટા ! જરા પણ તું ડર ના. અંબા સદા રક્ષણ કરશે.” મોહનચન્દ્રે કહ્યું, “અંબાને ગુસ્સે થવા જેવું તેં શું કીધું છે ? તને શું અંબાનાં દર્શન થયાં ? તેની મૂર્તિ કેવી મનમોહક હતી ?”