આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩
કમળાની મૂર્ચ્છા

ગંગા, કમળાની સાથે જ પાલખીની જોડે ચાલતી હતી. વેણી પણ પછાડી ધીમે ધીમે ચાલતી હતી. મદન ઉંઘી ગયો હતો ને તે અહમદના હાથમાં હતો.

રાત્રીના દશ વાગ્યા હતા. સુરત જેવા શહેરમાં એ વખતે તદ્દન સૂનકાર જેવું હોય છે, તોપણ આ પ્રમાણેનો દેખાવ જોઈને ઘણા જણ બારીએ જોવાને આવ્યા ને આશ્ચર્ય પામતા, “શું છે ? શું છે? એમ પૂછવા લાગ્યા. ઘેર આગળ આવતા સુધીમાં “એ શું છે ?” એ ત્રણ અક્ષર ત્રણસેં તરફથી પૂછાયા હતા. ઘેર આવી પહોંચ્યા તો સઘળાં જાગતાં હોવાથી ને શેઠાણી પણ જાગતાં હોવાથી, “આ વળી શું છે ?” એમ જાણી બારી આગળ આવી જોવા ઉભાં, પણ જ્યારે સૌ આવીને તેના જ બારણા આગળ ઉભાં, ત્યારે તો તે બહુ ગભરાઈ. તે નીચે ઉતરીને જોવા આવી.

“સાસુજી ! કમળા બહેનને કંઈ અણચિંતવ્યું દેવાલયમાં જ થઈ આવ્યું છે અને તેઓ બોલતાં નથી;” ગંગાએ બારણા આગળ એકદમ જઈને ટુંકામાં જણાવ્યું.

“હાય હાય રે મારી દીકરીને શું થયું ? અરે બહેન ! તને શું થયું ? તું કેમ બોલતી નથી ?” એમ બોલતાં કમળાની પાલખી પાસે શેઠાણી આવ્યાં અને અંદર જોવાને માથું ખેંચ્યું; પણ ભાગચોઘડીએ પાલખીના બારણા સાથે માથું અફળાયું, કે તે તો રાતી પીળી થઈ ગઈ.

“તમને કોણે કહ્યું હતું કે, તમે સૌને તેડી જાઓ ?” ઘરધણિયાણી ગુસ્સાના આવેશમાં તોછડાઈથી મોહનચન્દ્ર સામું જોઈ બોલી. "મારું તો કોઈ માને જ નહિ. ભોગ છે મારા કે મારે નસીબે દુ:ખ જ સરજેલું છે. કોણ જાણે આ દિકરીનું હવે શું થશે, એને શું થયું છે, તે કોઈ કહી મરશે ?”

કોઈએ જવાબ દીધો નહિ, ગંગા તો સાસુજીનો ગુસ્સો જોઈને ખુણામાં ભરાઈને ઉભી; અને વેણીગવરી ઘરમાં ભરાઈ ગઈ. ક્ષણ પછી ગંગાએ આવીને પાલખીમાંથી કમળાને ઉઠાવી ને પોતાની જેઠાણી તુલજા તુરત નીચે આવી હતી, તેની સાથે ઉચકીને માળપર લઈ જવા યત્ન