આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫
કમળાના ઉભરા

તેમના ત્રણે દીકરા કુળદીપક હતા. મોટો દીકરો કેશવલાલ સરવે ખાતામાં પચાસની નોકરીએ હતો. વચલો આપણી નાયિકા ગંગાનો પતિ કિશોરલાલ કોલેજમાં શીખતો હતો. સૌથી નાનો જે વેણીલાલ હતો, તે હજી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. ત્રણેનાં લગ્ન થયાં હતાં. કમળા પણ ભણેલી ગણેલી તથા મર્યાદામાં એક્કો હતી. બાળપણમાં જ રંડાપો આવ્યો હતો, પણ માની કુખ લજવાય, તેવું એક પણ કુલક્ષણ તેનામાં ન હતું. તેની ઇચ્છા તો એવી ખરી કે, ફરી લગ્ન થાય તો ઠીક, પણ વડિલની આજ્ઞાની બહાર કંઈ પણ કર્મ કરવું એ તેને યોગ્ય લાગતું નહોતું. હયું ખોલી કોઈને વાત પણ કહેવાતી નહિ, ને ક્લાંઠ મા આગળ તો કંઈ બોલવા જાય તો કરડી ખાય; માટે સુખે દુઃખે દહાડા કાઢતી હતી. તે સંપૂર્ણ કેળવાયલી હતી તથા ઉત્તમ પ્રતિના હિંદુ સ્ત્રીના ધર્મ જાણતી હતી, એટલે સાહસ કરવાનો તો વિચાર જ શાનો કરે ? ભાગ્યમાં જે લખ્યું હશે તે થશે, નસીબને ફેરવવા કોઈ સમર્થ નથી. કાળ પોતાનું કામ કરશે, એમ બેાલી તે મનને શાંત પાડતી હતી; તો પણ સૌ તરૂણીઓનાં સુખો જોઈને તે રોજ રોજ નીસાસા નાંખતી હતી.

અંબા ભવાનીના દેવળમાં તેને જે મૂર્ચ્છા આવી હતી, તેનું ખરેખરું કારણ આપરથી વાંચનાર શોધી શકશે, કે જુવાનીના જુસ્સા શિવાય બીજું કંઈ કારણ નહતું. તરુણ સ્ત્રીઓને વિધવાવસ્થા પ્રાપ્ત થાય છે, એટલે તેઓ માણસમાંથી નીકળી જાય છે. પણ કુદરતની લાગણીઓ કંઈ તેમને એાછી હોતી નથી. તેમાં તેઓ જ્યારે એકાંતવાસ-જોગણ જેવી અવસ્થામાં હોય છે, ત્યારે તે દુઃખ વધારે લાગે છે. જેમ જેમ તેઓ પોતાને સ્વભાવ દાબવાને યત્ન કરે છે, તેમ તેમ તે વધારે બહાર નીકળે છે ને તેમાં વખતે મૂર્છા, વખતે સનેપાત, વખતે ગાંડાપણું ને વખતે ભૂત પણ વળગે છે ! કમળાને મૂર્ચ્છા આવી, તે તેના જુસ્સાનું એકદમ ચઢી આવવું જ હતું.