આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
ગંગા–ગુર્જર વાર્તા

ઉઠી ગંગાને ગળે વળગી પડી. ડુસકાં ખાતાં ખાતાં કમળાએ કહ્યું, “તમે જાણો છો, તમને ખબર છે, મારું દુ:ખ કોઈ પણ રીતે એાછું થાય તેમ નથી, એટલે કહીને શું કરું ? મારો અવતાર બળ્યો ! મારું જીવતર બળ્યું ! હું જીવતી જ મુઈ છું ! હવે તમે મને શું કહો છો ને શું પૂછો છો ?”

આ સાંભળતાં ગંગા દંગ થઈ ગઈ. કમળાએ જોસભેર ડુસ્કાં ખાવા માંડ્યાં ને ગંગા ઘણી ગભરાઈ ગઈ. આટલા બધા શબ્દોમાંથી એક પણ શબ્દ તે સમજી શકી નહિ.

“મોટી બહેન,” ગંગાએ ફરીથી પૂછ્યું; “તમારું દુ:ખ પારખવાની મારામાં જરા પણ શક્તિ હોત તો હું તમને પૂછત પણ ખરી? તમે ખુલાસાથી મને જણાવો. આજે તમારા ભાઈ આવનાર છે, તેમને સઘળી હકીકત કહીશ ને જો બનશે તો તેઓ તમને મદદ કરશે.”

“હવે એ વાત જ જવા દો;” કમળાએ ગભરાતાં ગભરાતાં તૂટક તૂટક શબ્દોમાં કહ્યું, “એ વાતમાં માલ બળ્યો નથી. તમારાથી તો શું, પણ તમારા દેવથી પણ મારું દુ:ખ દૂર થનાર નથી, તો પછી, બીજાની તો વાત જ શી ? આ મારા જેવીનો અવતાર કશા એ કામનો નથી તેમાં વળી મા એવી મળી છે કે, જાણે મારા પૂર્વ જન્મની વેરણ મને વિધવિધનાં વેણ કહે છે તે જો આ વાત સાંભળે તો ખરેખર મને જીવતી જવા દે કે ?"

ગંગા હવે બધું સમજી ગઈ. કમળા વિધવાવસ્થામાં હતી, ને તે જ તેને મોટું દુ:ખ હતું. હમણાં તેની પૂરતી જુવાની હતી, ને “જુવાની તે દીવાની” એ સંબંધમાં જોતાં કમળાને ઘણું દુઃખ લાગે, તેમાં આશ્ચર્ય જેવું થોડું જ હતું. થોડીવાર પડી રહ્યા પછી કમળાએ કહ્યું:-

“ભાભી, આ વાત કોઈને જણાવતાં નહિ, મેં મારું શિયળ સાચવવામાં કંઈપણ ઉણું નહિ પાડવું, એવો નિશ્ચય કીધો છે. જ્યાં આપણો ઈલાજ નહિ ને દૂર ન થાય તેવું દુ:ખ હોય તેના સામા પોકાર ઉઠાવવાથી