આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
ગંગા–ગુર્જર વાર્તા

કરતાં બહુ મહેનત પડતી હશે. વારુ, હવે બે ત્રણ મહિના હમણાં અહીંયાં રહેશે ને પરીક્ષા વખતે જશે તો ભાઈ શરીરે વળી જશે. પણ એ માજી, તારા હાથમાં છે.” કમળાએ માર્મિક વચન કહ્યું.

“હા ડાહી ડમરી ! તું બહુ શાણી તે મને શિખામણ આપતી હશે ! આવ મારી ઘરડી મા, મારી દાદી થઈને હવે તું બેઠી છે તે તારે જોઈયે તે કહે!! તું મને કહે છે કે, ભાઈને રાખવો, કે નહિ રાખવો, તે મારા હાથમાં છે એટલે ? આજકાલની છોકરીઓ, અમારામાં તો કંઈ અક્કલ જ ન હોય તેમ અમને શીખવવા આવી છે. પણ રાંડો અમને જેટલાં વરસ થયાં છે, તેટલા તમને દહાડા પણ થયા નથી, તો શિખામણ શી આપવાની હતી ? હું તારા ભાઈની વેરણ છું ખરી કેની, તે તારા ભાઈને રાખવાની ના કહીશ. પણ પેલી રાંડ વંત્રીને રાખવા હશે તો એ મુવો રહેશે, નહિ તો એની મેળે ચાલ્યો જશે. મારાં કોણ કહ્યાં માને છે ? તું કેટલું માને છે કે તે માનવાનો હતો ?” શેઠાણીએ પોતાને જાતિસ્વભાવ જારી કીધા.

“મેં આજ્ઞાનો શો ભંગ કીધો કે તમે મને આટલો બધો દોષ દો છો ? પણ તમારે સ્વભાવ પડ્યો છે તે તમે પવનની સાથે પણ લડી પડો છો, તેમ મને ગરીબડીને નહિ પજવો.” કમળીને પેટમાં બળતું હતું, તેથી પોતાનો ઉભરો કાઢ્યો.

“ત્યારે તું શું મને પજવશે કે રાંડ ?”

“મેં ક્યારે કહ્યું છે માજી ? મેં ક્યારે પજવ્યાં ?”

“ત્યારે તું શું કરે છે ? આ તારા પજવવાના ઢંગ નહિ ને માને હલકી પાડવાના ઢંગ નહિ તો બીજું શું છે ?”

“એવા ખોટા ખોટા આરોપ તમે મારા ઉપર નહિ મૂકો. મારી કોઈ પણ જાતની કસૂર નહિ છતાં તમે જેમ સૌને પજવો છો તેમ મને પણ સંતાપો છો. તમારી દીકરીને ન મૂકો તો વહુપર કેમ કરુણા કરશો ?” કમળીએ સારી રીતે પોતાની માને થથરાવી, શેઠાણી તો આ