આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
ગંગા–ગુર્જર વાર્તા


“છેક એમ તો નહતું; પરંતુ પાછાં ભાભીજી જોડે માજી લડ્યાં, ને તે ટંટામાં પણ ઘણો વખત વીતી ગયો. ભાભીજી ખાવાને ઉઠતાં નથી અને ચોધાર આંસુએ રડે છે. ઘણા કાલાવાલા કીધા, પણ તેઓ સમજતાં નથી. સાસુજીનો સ્વભાવ છે, તેમ ભાભીજી પણ વખત વિચારી જતાં નથી. બંને જણાં સામસામાં થઈ પડ્યાં ને તેનું પરિણામ એ આવ્યું છે કે, હવે ઘરમાં ઝાઝો સમય શાંતિ રહેવાની નથી. ભાઇજી પણ ઘણા કંટાળી ગયા છે, અને તેમની મરજી પણ ઘર છોડવાની છે. જેવી ઈશ્વરેચ્છા.” ગંગાએ ઘણે દયામણે મુખે કહ્યું.

“ખરેખર ઘરના ઉઠ્યા વનમાં ગયા તે વનમાં લાગી લાહ્ય; તેમ જ્યારે આગબોટ સળગી ઉઠી ત્યારે તેમાંથી બચવા માટે દરિયામાં કૂદી પડ્યો, તો તેમાં પણ ડૂબી મરવાનો સમય આવ્યો. કોલેજમાં આ ત્રણ વરસમાં હું ઘણો કંટાળી ગયો છું, ત્યારે થોડો વખત નીરાંત લેવાને ઘેર આવ્યો, તો ત્યાં કજીયો, કંકાસ ને લડાલડી શિવાય બીજું કંઈ જ નથી. ઘણીવાર મેં માતાજીને આવી ખરાબ રીતને માટે કહ્યું છે, મોટા ભાઈએ મોટી ભાભીને ઠપકો દેવા કંઈ પણ કચાસ રાખી નથી, પણ એ બને એવાં છે કે, એમાં કોણ વધારે નઠોર છે તે હું કહી શકતો નથી. હવે તો બંને જણ સમજે તો જ ઘરની આબરુ જળવાશે, નહિ તો વાત ઘણી વધી પડી છે. તમારી સાથે તો હું ધારું છું કે, માતાજી સારી રીતે વર્તતાં હશે. આજે પ્રિયે, તમને ઘણો શ્રમ પડ્યો હશે ?”

“મારા શ્રમની વાત નહિ કરો ! હું તે શી ગણતીમાં ? સાસુજી કૃપાદૃષ્ટિ રાખે તો બસ. ઘરનાં સૌ તોબાતોબા કરી રહ્યાં છે. ચાકર નફર અને બીજા સઘળા સાથે વઢવાડ જ મંડાઈ છે. એક દિવસ પણ લઢાઈ વગર જતો નથી.” ગંગા બોલી, પછી થોડીવાર ચૂપ રહી કહ્યું, “મોટી બહેન ને ભાભીજી, એ બંને સાથે રોજનાં છોડાં ફાડવામાં આવે છે, તે આપણા ગૃહસ્થ ઘરને છાજતું નથી. ગૃહિણીના