આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
ગંગા–ગુર્જર વાર્તા

તેડતાં જવું જોઈયે.” પછી બંને દંપતી તેના ઓરડામાં ગયાં, પણ તેનું રડવું રહ્યું નહોતું. સાસુજીએ જે કેટલાક શબ્દો કહ્યા હતા, તે ઘણા વજ્રબાણ જેવા લાગ્યા હતા, જો કે તેણે પણ કંઈ ઓછું કહ્યું નહોતું.

કિશેારે મદનને પોતાના હાથમાં લીધો, પણ તે પોતાની કાકીના હાથપર પડવાને ઝીંપલાવતો હતો. ગંગાએ જઈને તુળજાના મોંપરથી લૂગડું ખસેડ્યું, પણ તેણે આંખ ઉઘાડી નહિ. કિશેારે એક જ વાકય કહ્યું કે, “આમ જુઓ ભાભી સાહેબ ! દિયેરજીની પરોણાગત આ પ્રમાણે કરશો કે ? ભલે, જેમ ઘટિત લાગે તેમ કરો, પણ હું આવ્યો ને તમે રુસણાં લઈને બેસો તો પછી મારે જલદી ઘરથી પાછા ફરવું પડશે.”

તુળજા ઘણી શરમાઈ ગઈ

તે ઉઠીને ઉભી થાત, પણ શરમાઈ તેથી ઉઠાયું નહિ.

તે ઉંચે જોઈ શકી નહિ, પણ ગંગાએ કહ્યું, “જરા આંખ ઉઘાડીને જુવો કે કોણ છે ? નાના દિયરજીનો આવો સત્કાર કે ?”

તુળજાએ આંખ ઉઘાડીને જોયું કે બન્ને - કિશેાર ને ગંગા ખડખડાટ હસી પડ્યાં.

“ચાલો, ચાલો, વાળુનો વખત થઈ ગયો ને વળી તમારાં સાસુજી તમને અને અમને બંનેને વખાણશે !!” કિશોરે કહ્યું.

મદન, કિશેાર, ગંગા ને તુળજા ચારે જણ રસોડામાં ગયાં.

સૌ જમી રહ્યાં હતાં, ને માત્ર એ ચાર જ જમવાનાં હતાં: તુળજાગવરી સાથે સૌ બેસી ગયાં. વેણુગવરીની ગેરહાજરીમાં ગંગાએ જાતે પીરસી લીધું.

જમી રહ્યા પછી સૌ પોતપોતાના શયનગૃહમાં ગયાં.

આપણી નાયિકા ને નાયક આનંદભેર પોતાના શયનગૃહમાં ગયાં. પ્રેમવીણાનો તાર અપાર હતો.