આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫
લગ્નસરા

નંદગવરી ઘણી રાજી થઈ ને ગંગાનાં ઘણાં વખાણ કરવા લાગી. ગંગા આત્મારામશાહના કુટુંબમાં એક રત્ન જ છે એમ તેને ભાસ્યું. શું કરવાનું હતું તે સમજાવી બંને કામે વળગી ગયાં. નંદગવરીના ઘરની વહુવારુઓ પણ શરમાઈને કામ કરવા મંડી પડી. એક કલાકમાં બાકી સાકીની રસોઈ કરીને સૌને જમવા બેસાડી દીધાં, ને વાડામાં “શીરો શીરો” ને “પાણી પાણી”ની બૂમ પડી રહી.

સૌ જમી રહ્યા પછી ગંગાને જમવાને માટે કહ્યું. તુળજાગવરી જમી નહતી, તેથી તેને મૂકીને તે જમવાને તૈયાર થઈ નહિ. મદન જાગ્યો તેને ગંગા તેડી લાવી ને પછી તુળજાને ઉઠાડી, કેમકે તેની તબીયત જરાક બગડી હતી. કમળા તથા સાસુજી તો પંગતમાં જમી ગયાં હતાં. ગંગા રસોડામાંથી નીકળી ને સાસુજીને જોવા ગઈ, ત્યારે તેને આ પ્રમાણે ઘેર ગયેલાં જાણી તે દિલગીર થઈ. હવે જો ગંગા જમ્યા વગર જાય તો નંદગવરી નારાજ થાય, ને જમીને જાય, ને સાસુજી જમ્યા વગર ગયાં હોય તો ઘેર જવા પછી માથે ગજબ ગુજરે. આખરે જે થાય તે ખરું એમ વિચારી પાંચ સાત બૈરાં સાથે તે જમવા બેઠી. ગંગાની રસોઈનાં પણ વખાણ થયાં ને સૌએ તેને ઘણી વખાણી.

આજનો સગાવહાલાંનો સમાજ ઘણો સંતોષકારક થયો હતો. નંદગવરીએ ગંગાને કિમ્મત નહિ અંકાય તેવી જોઈ અને પોતાના કિશેારને ખરેખર સુખી ગણ્યો; તેમ જ લલિતાગવરીને ખરેખરી રાક્ષસી સાસુ પીછાણી. તે ઘર ચલાવવાને જ નાલાયક છે એમ બડબડી. ગંગા ને કિશેારનું જોડું ઘણું રુડું હતું; કિશેાર ઘણો ખૂબસૂરત નહોતો, તથાપિ તે નાગર ન્યાતમાં એ રત્નરૂપ હતો. મજાક કરતાં નંદગવરીએ ગંગાને પૂછ્યું કે, “કિશેાર કેમ જમવાને આવ્યો નથી ?” બીજાં બૈરાં પેઠે ગંગાએ નીચે મોઢું સંતાડ્યું નહિ, પણ ધીમેથી કહ્યું કે, “મને ખબર નથી.”

“અને હવે ગંગા !” નંદગવરીએ ઘેર જતી વેળાએ કહ્યું, “તમારી