આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
ગંગા–ગુર્જર વાર્તા

ચરણસ્પર્શ ને આળસમાંથી પરવારે ત્યારે આવા સારા કામના વિચાર કરે કેની ?

ગંગા મધ્યરાતના પણ પોતાના કામથી પરવારી નહોતી. આજે વધુ મોડું થવાનું કારણ એ હતું કે તે બહાર ગઈ હતી, ને ત્યાંથી આવતાં ઘરની તકરાર, કમળાનું સમાધાન, એ સઘળામાં તેને ઘણો વખત ગયો હતો; ને તેને લીધે પોતાનું ખરું કામ ચૂકી ગઈ હતી, પણ આજનું કામ કાલ પર નહિ રાખવું એ નિયમ ધારીને જરા પણ આળસુ રહી નહિ. સપાટ પૂરી કરીને તેણે આ વેળાએ એક સુંદર કોલર ઈનામના મેળાવડામાં મૂકવાને ભરવા માંડ્યો હતો તે પૂરો કરવાનો હતો, ને તે માટે તે ઘણી મેહેનત લેતી હતી.

કિશેારલાલને પોતાના શયનગૃહમાં પગ મૂકતાં, પોતાની પ્રિય પત્નીને ઉદ્યોગમાં ચકચૂર જોવાથી ઘણો અચંબો પ્રાપ્ત થયો. તેણે ધાર્યું હતું કે હવે ગંગા ઊંઘી ગઈ હશે, પણ તે ધારણામાં એણે ચૂક કીધી હતી. તેમાં વળી પોતાનું પગલું ઓરડામાં પડ્યા છતાં, કામની ઉતાવળને લીધે ગંગાએ નજર પણ નહિ કીધી, ત્યારે કિશોર ઘણો આનંદમગ્ન થયો, તેને મનમાં એમ જ લાગ્યું કે આવી સુલક્ષણી સ્ત્રી જેને મળે તેનું પૂર્ણ ભાગ્ય જ સમજવું.

થોડીવાર ગંગાની પૂઠ નજીક આવીને ઉભા રહ્યા પછી એકદમ તે સામે આવ્યો, તે પડછાયાના ચમકાટની સાથે ગંગા બોલી ઊઠી, “કોણ એ ?"

“પ્રિયે! હજુ સુધી તું સુતી નથી ?” કિશોરે અતિ આનંદ અને પ્રેમ સાથે પૂછ્યું.

“ના પ્રાણનાથ ! આપને એમ કેમ પુછવું પડ્યું? હજી આ૫ તો હમણાં જ પધારો છો, ને તે પેહેલાં મારે સુવું એ શું મારો ધર્મ છે કે ?” ગંગાએ ઊઠીને આદરસત્કાર કરતાં કહ્યું.