આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
ગંગા–ગુર્જર વાર્તા

ચઢાવી આપી છે, એ તે બેગમજાદીને પરવડશે, પણ સુતર કાંતનારીની દીકરીને પરવડવાનું નથી. હરામજાદી, મને બોલાવીને ક્યાં જશે ?”

“જુઓ વળી વધુ બોલ્યાં ! સંભાળો, નહિ તો હમણાં ખાનાજંગી થશે. ગંગાએ મને શું કહ્યું ને તમને શું કહ્યું? તે બચારી ઘરમાં આવી ત્યારની એક શબ્દ પણ બોલતી નથી, તેને નકામી શા માટે વગેાવો છો ? નકામું તેનું પાપ ધુવો છો તે નરકમાં પડશો !” તુળજાએ ખૂબ ખાર કહાડ્યો.

“તારી સાત પેઢી નરકમાં પડેની ! તેની હીમાયતણ આવી છે ! વહાલામુઈ ! ઠીક છે હમણાં કેશવાને આવવા દે, પછી તારી વલે કરાવું છું.”

“વલે શી કરવાના હતા ? મારી નાખશે, બીજું કંઈ ? મારો છૂટકો થશે. આવી જુલમગાર સાસુના તાબામાંથી નીકળતાં હું ઘણી સુખી થઈશ: પણ તમારા દીકરા તમારા જેવા નથી તો ! તે સારી રીતે જાણે છે કે આપણી મા સાત ગામની ઉતાર છે !” તુળજાએ ખૂબ જુસ્સામાં જવાબ દીધો.

ગંગાએ જોયું કે લડાઈ ઘણી વધી પડશે, ને તેનું પરિણામ ઘણું ખોટું આવશે તેથી એકદમ પોતાથી બનતા યત્ને તુળજાને બીજા ઓરડામાં ઘસડી ગઈ ને બારણાં બંધ કીધાં, ને પછી ખૂબ ઠપકો આપ્યો. ગંગાના ખૂબ હસમુખા ને વિવેકી સ્વભાવને લીધે તુળજા પોતાની બહેન કરતાં પણ ગંગાને વધુ ચાહતી હતી, એટલે તેના બોલવા સામે ગુસ્સો કીધો નહિ.

સંધું શાંત થયા પછી, “આજે તમે તો સાસુજીને ખૂબ ઉધડાં લીધાં ભાભીજી ?” કરડાકીમાં ગંગાએ કહ્યું, “વારુ તમે પણ સાસુજીને પહોંચી વળે તેવાં છો એટલે અમારાં જેવાંને સુખ છે. અમારું વેર વાળવાને તમે શક્તિવાન ખરાં, પણ ભાભીજી, થોડું બોલો તો ન ચાલે?”

તુળજાએ કશો જવાબ દીધો નહિ, પણ બારણે સાસુજી પોતાના ગુસ્સામાં ગાળોનો વરસાદ વરસાવ્યા જતાં હતાં, એટલામાં કેશવલાલ આવ્યો. લલિતાએ ખૂબ ગાળો દઈને તેને ચઢાવ્યો. “તારી બૈરી માને