આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાંભળીને રાજા તથા સભા રંજન થાય છે અને તે કવિને રાજા પગાર આપે છે. માટે હું જાણું છું કે આ ગૌરીબાઈને રાજસભામાં તેડી જઈએ તો રાજાજી બહુ ખુશી થશે.

નરોત્તમ - રાજાનો દરબાર અહીંથી ઢુકડો છે માટે હું એક ચીઠી લખી આપું. તે તમે રાજાજીને આપીને જવાબ લાવશો ?

હાથીભાઈ - હા લખી આપો.

પછી નરોત્તમદાસે રાજાજી ઉપર એક પત્ર લખ્યો તેમાં ગૌરીબાઈની કવિતાના ચમતકાર વિષે લખીને લખ્યું જે આપની મરજી હશે તો તે બાઈને આપની હજુરમાં લાવીશું.

તે પત્ર લઈને હાથીભાઈ રાજસભામાં ગયા. ત્યાં રાજાજી તથા કુંવરજી સભામાં બિરાજ્યા હતા. હાથીભાઈએ જઈને રાજાને સલામ કરીને મોઢા આગળ પત્ર મુક્યો. રાજાએ કારભારીન કહ્યું કે પત્ર વાંચી સંભળાવો. પછી તેણે વાંચ્યો. તે રાજાએ તથા કુંવરજીએ સાંભળ્યો. રાજાએ હાથીભાઈને ઉત્તરમાં એટલું જ કહ્યું કે ઠીક છે. તે સાંભળીને હાથીભાઈ તરત પોતાના શેઠને ઘેર આવ્યો. પણ રાજાના સમજવામાં એવું હતું કે એ બાઈને કોઈ એક દહાડે તેડી લાવશે. તેથી તે તો ઉઠીને ગામ બહાર બાગમાં પધાર્યાં. અને હાથી ભાઈના સમજવામાં એવું હતું કે ગૌરીબાઈને હાલ દરબારમાં બોલાવ્યાં છે. તેથી તેણે શેઠને કહ્યું કે ચાલો, રાજાજી સભામાં બિરાજે છે, અને ગૌરીબાઈને બોલાવ્યાં છે.

પછી ગંગાબાઈ, જમનાબાઈ, તથા ગૌરીબાઈ, અને બીજી તેના જેવડી ચાર પાંચ બાઈઓ સુધાં, નરોત્તમદાસ તથા હાથીભાઈ દરબારમાં ગયા. તે સમે દહાડો બે ઘડી રહ્યો હતો. દરવાજામાં પેસતાં આગળ મોટું મેદાન હતું, અને તે મેદાન વચે કઠેરાબંધ મોટો ચોરો હતો, ત્યાં રાજકુંવર સભા કરીને બેઠો હતો. નાયકાઓ નાચતી હતી, વાજીત્ર વાગતાં હતાં, અને એક સુંદર શોભા બની હતી. કુંવરજીએ પેલાં સઉને આવતાં દીઠાં, એટલે એક હજુરના ચાકરને કહ્યું કે તું સામો જઈને એ સઉને અહીં બોલાવી લાવ. રાજાને સભામાં ન દેખવાથી, અને નાયકાઓને જોઈને, તે બધી બાઈઓના પગ પાછા હઠ્યા. ત્યાં પેલે ચાકરે જઈને કહ્યું કે ચાલો તમને સઉને કુંવરજી બોલાવે છે.

ગંગાબાઈ - (નરોત્તમદાસને કહે છે.) પાતરો નાએ છે ત્યાં અમે તો નહી આવીએ.

નરોત્તમ - કુંવરજી બોલાવે છે, અને નહીં જઈએ તો તેને દુખ લાગશે. માટે આપણે સઉ એક તરફ થોડીવાર બેશીને ઉઠી નિકળીશું.

પછી સઉ ત્યાં ગયાં. કુંવરજી તેઓને એક તરફ બેસવાની જગા અપાવી. સલામ