આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરીને સઉ બેઠાં, નાચનારીઓ નાચે છે, અને વાજાં બજાવનારા બજાવે છે. અને કુંવરજી તેઓ પોતાની પાસે બેઠેલા લોકો સાથે વાતો કરતો હતો. તેણે નરોત્તમદાસને પુછ્યું કે ગૌરીબાઈ કેનું નામ ?

નરોત્તમ - આ બાઈનું નામ.

કુંવર - તેને કવિતા બહુ સારી જોડતાં આવડે છે.

નરોત્તમ - હા સાહેબ.

કુંવર - (ગૌરીબાઈને) જે વિષે કહું તેનું કવિત રચી આપશો ?

ગૌરીબાઈ - હા સાહેબ.

કુંવરજી - આ એક નાયકાના વરણનનું કવિત રચી આપો. એમ કહીને કાગળ કલમ આપી.

ગૌરીબાઈની ના કહેવાની મરજી થઈ. અને મનમાં ધાર્યું કે આ પાપમાં અમે ક્યાંથી આવી પડ્યાં ?

નરોત્તમ - (ગૌરીબાઈને) હવે આવી ફશાં તે ફશાં. માટે જેવું તેવું કવિત કરી આપો. પછી આપણે ઘેર જવાની રજા માગશું.

એવામાં દરબારની ગાયો બહાર ચરવા ગયેલી તે પાછી આવી. તેમાં એક ગોરા રંગની ગાય દરવાજામાં પેઠી. તેના પગમાં ઝાંઝર હતાં. તેને જોઈને તે ગાયના વરણનનું કવિત રચ્યું. તે નીચે મુજબ.

મનહર છંદ.

કાળા લાંબા કેશવાળી, રંગે તો રૂપાળી ભાળી,
ઝાંઝરના ઝમકાળી વડી વખણાય છે;
ઠમક ઠમક ચાલ, ચાલતી ચંચળતાથી,
સમિપ સકળ જન, સામુ જોતી જાય છે;
પતિવ્રતા નહિ પણ પ્રજા તો પ્રસવે પોતે
સ્વરોદયવાળી જાતે સુંદરી જણાય છે;
દાખે દલપતરામ દેખો દુનીઆના લોકો,
રાજદ્વારમાંહી ગોરી ગુણવંતી ગાય છે. ૧૬

તે કવિત લખી કુંવરજીના આગળ મુક્યું. કુંવરે બીજા માણસ પાસે વંચાવ્યું. પણ તે કવિતાનો ચમત્કાર કુંવરને કશો સમજાયો નહિ. તો પણ ગૌરીબાઈને સારૂં મનાવવા વાસ્તે કુંવરે કહ્યું કે, ઠીક કવિત રચ્યું. એ નાયકા એવી જ છે. અને તે બહુ સારૂં ગાય છે.

ગૌરીબાઈ - એ શું ગાય છે? અને તેમાં શો અર્થ ચમત્કારી છે.