આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કવિ - જેમ એક સમે વડોદરામાં ગણપતરાવ, ગોવિંદરાવ, ગોપાળપંથ, અને ગજરાંબાઈ, એવા ચાર પાંચ ગકાર મળીને ત્યાંનો વહિવટ ચલાવતા હતા; તેમજ જે રાજાની આગળ ગુણવાન, ગતિમાન, ગંભીર અને ગણિતજાણ એવા ભલા ભલા ગકાર તો કારભારી હોય. અને જે રાજા શા એટલે શાહુકાર લોકોને મળતાં તે સર્વ ઉપર રેહેમની નજર રાખે, અને જ્યાં સદા સંતોષ રૂપી સદ્ગુણની સારી સલાહ હોય, વળી જેને ૧ શૌર્ય, ૨ ધૈર્ય, ૩ સુવિચાર, ૪ દીર્ઘદ્રષ્ટિ, ૫ દયા અને ૬ દાન, એ ૬ ગુણોની સાથે હમેંશા દોસ્તી હોય. અને પ્રતિદિવસ નગરના લોકો જેના ઉપર પ્રીતિભાવ રાખતા હોય. એવો રાજા હોય તે જશવાળો અને જયકારી છે.

નરોત્તમ - ખરી વાત પણ તમે કહ્યું એટલા જ અર્થનું કવિત હોય તો કહો. એવી ફક્ત વાતથી રસ ઉપજતો હોત તો કવિતાનો કોઈ ભાવ પુછત નહીં.

કવિ - એટલા જ અર્થનું મેં કવિત રચેલું છે તે સાંભળો/

મનહર છંદ.

ગુણવાન ગતિમાન ગંભીર ગણિતજાણ
એવા ભલા ગગા ભાઈ જેના કારભારી છે.
શા મળતાં સર્વપર રેમની નજર રાખે,
સદાકાળ જ્યાં સંતોકની સલાહ સારી છે
શૌર્ય, ધૈર્ય, સુવિચાર, દીર્ઘદૃષ્ટિ, દયા દાન,
છ-ગુનની સાથે તો સદૈવ દોસ્તદારી છે.
પ્રતિદિન પ્રીતિ ભાવ નગરના લોક રાખે,
એવો રાજા જશવંત અતિ જયકારી છે. ૧૭

એ કવિત સાંભળીને ગૌરીબાઈનું અભિમાન ઉતરી ગયું. અને સાંભળનારાં સઉ અચરજ પામ્યાં.

નરોત્તમ - સાબાશ છે, તમે સર્વ રાજાઓને લાગુ પડે એવું કવિત કહ્યું, પણ તેમાં જે વ્યંગાર્થ છે, તે હું બરાબર સમજ્યો, તેથી તે કવિત મારા અંતરમાં પાર ઉતરી ગયું. જો હું રાજા હોત, તો આ કવિતાની કિંમત તમને આપ્યા પછી અહીંથી ઘરભણી પગલું ભરત, વારૂ પણ કવિરાજ, મેહેરબાની કરીને આવતે રવિવારે પાછલા પહોરના અમારે ઘેર પધારજો.

કવિ - સારૂ શેઠજી, હું આપને ઘેર આવીશ, પણ આ ગૌરીબાઈની કવિતા સાંભળવાની મારી ઘણી મરજી છે.

નરોત્તમ - રવિવારે ગૌરીબાઈને પણ અમારે ઘેર બોલાવીશું