આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તે કવિતા નથી, માટે એમાં કાંઈ માલ નથી.

હાથી - એ ભાટીઆને હું ઓળખું છું, માટે હું તેને કહીશ, કે આજ પછી તમારે એમ કહેવું નહિ. પણ એટલું તો ખરૂં કે તમે આ કવિના શિષ્ય થાઓ તો એક વરસની અંદર તમને કવિતા રચતાં શિખવે, અને તમારી મેળેતો, તમે દશ વર્ષે કદાપિ કવિતાને રસ્તે ચઢી શકશો.

પ્રોઢ - પ્રથમ મારો એ વિચાર હતો કે તેની પાસે છ મહિના અભ્યાસ કરવો પણ હવે એમ કરૂં તો મારી આબરૂ ઘટે.

પછી પેલા કવિને શાંત કરીને ત્યાં બેસાર્યો.

નરોત્તમ - કવિરાજ, હવે જો આપની મરજી હોય તો આપને એક સમશા પુછીએ.

કવિ - સુખેથી પુછો. મારી બુદ્ધિ પ્રમાણે હું પૂરી કરીશ.

નરોત્તમ - (ગૌરીબાઈને કહે છે) તમે કાંઈ પુછો.

ગૌરીબાઈ - (કવિને કહે છે) આ પાટિયા ઉપર અમારી મરજીમાં આવે તેવા સાત આઠ અક્ષરો લખી, તે એવી જ રીતે કવિતામાં આવે, એવું કવિત રચી આપશો ?

કવિ - આપની મરજીમાં આવે તેવા અક્ષરો લખો, તેમાં ફેરફાર કર્યા વિના તે અક્ષરો કવિતમાં ગોઠવી આપીશ.

ગંગાબાઈ - લાવો હું અક્ષરો લખું. એમ કહીને ક્ષક્ષક્ષક્ષક્ષક્ષક્ષ એ રીતે એક લીટી લખી.

ગૌરીબાઈ - અરે ક્ષ ઉપર તો ઘણા શબ્દો છે, એ સમશા તો લાવોને હું પૂરી કરી આપું. એમા શું છે ?

તમે તે દહાડે નિશાળમાં પણ મને સેહેલી સમશા પુછી હતી. એમ કેમ વારૂ ?

ગંગાબાઈ - એ તો આગલી રાતે અમે હજામ લોકોને નાટક કરતાં જોયા હતા તેમાં એક હજામ રામનો વેષ લાવ્યો હતો. ત્યારે મારા મનમાં એટલું ચરણ ઉત્પન્ન થયું હતું કે "રઘુપતિરામ નથી જો એ તો હજામ છે" પછી તે કવિત મારાથી પૂરૂં થઈ શક્યું નહોતું માટે મેં તમને પૂછ્યું હતું.

વારૂ, પણ હું પુછું છું તે સમશા પૂરી કરવા દો.

કવિ - સમશા પૂરી કરે છે.

ચોપાઈ.
દશ મુખને નિજ દૂત કહે છે.
લલ્લલ્લલક્ષ્મણ આવે છે,

રાવણ - છે લક્ષ્મણ શી જાત ગણત્રી ?

દૂત - ક્ષક્ષક્ષક્ષક્ષક્ષક્ષત્રી. ૧.

નરોત્તમ - એ ચોપાઈમાં ભાવાર્થ શો છે ? અને તાત્પર્યાર્થ શો છે ?