આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પછી ગંગાબાઈને આણું પહોંચ્યું તેથી પિયરનું તેડું આવ્યું, એટલે તે પીયર ગયાં. તે પછી જમનાબાઈને વેહેમી સ્ત્રિયોની ઘણી સોબત થવાથી, તથા મંદવાડ આવ્યાથી તે દોરા ચીઠી વગેરેની ભ્રમણામાં પડી. તે પછી ગંગાબાઈ પાછાં આવ્યાં ત્યારે તેણે ભ્રમણા મટાડી.

ગંગાબાઈ જ્યારે પીયર ગયાં હતાં ત્યારે ત્યાં પોતાની માનો ઉપકાર કેવી રીતે માન્યો ? તથા નહાનપણમાં મોજશોખ પડ્યો મુકીને કેવી મેહેનતથી તેણે વિદ્યાભ્યાસ કર્યો હતો ? અને તેથી અંતે કેવું સુખ પામી. તે બધાનું વરણન એક ગરબા છંદમાં લખું છું. આગળ ઉપર એક ભણેલી બાઈએ પણ એ જ રીતે પોતાની સ્તુતિ કરી હતી.

ગરબા છંદ

પુત્રિ કહે મા પાસ, હાસ કરી હેતેં મા;
અતિ સોંપ્યો અભ્યાસ, આશ પુરી એ તેં મા. ૧
ભણિ ભણતર ભલિ ભાત, વાત વિવિધ વાંચી મા;
પૂરણ થઈ પ્રખ્યાત, સાત સુખે સાચી મા. ૨
દિલમાં લઈ ઉપદેશ, બેશ ઉજેશ થયો મા;
હઈડે હરખ હમેશ, લેશ કલેશ ગયો મા. ૩
ધન ધન આ અવતાર, સાર લિધો સાચો મા;
ઈશ્વરનો ઉપકાર, વાર ઘણી વાંચ્યો મા. ૪
જ્ઞાન પદારથ પાન, કાન વડે કીધું મા;
લઈ વિદ્યાનૂ દાન, માન મહા લીધું મા. ૫
ન મળ્યો ઠપકો ઠેશ, બેશ ભૂગોળ ભણી મા;
વળિ થઈ વાત વિશેષ, દેશ સમગ્ર ગણી મા. ૬
પાકવિધી પરસિદ્ધ, સિદ્ધ કરી સારી મા;
આઠ સિદ્ધિ નવનિદ્ધ, દીધે દયા તારી મા. ૭
ગણતાં શિખી ગણીત, ગીત શબદ સાખી મા;
ચિત્ર ભરત દઈ ચિત્ત, રીત શિખી રાખી મા. ૮
દેખી અદ્‌ભુત દાવ, પાવ પ્રથમ દીધો મા;
ભણી ગણી ધરિ ભાવ, લાવ ભલો લીધો મા. ૯
ભટકે પણ નહિ ભાગ, લાગ જડે જેનો મા;
ઉંડો અરથ અથાગ, તાગ લિધો તેનો મા. ૧૦
પછિ બીજા પરચૂણ, ગુણ લીધા ધારી મા;
એ આટામાં લૂણ, શુણ માતા મારી મા. ૧૧