આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મનહર છંદ.

સ્વામી વશ થતો નથી સોળ શણગાર સજે,
સ્વામી વશ થતો નથી અંગતણા રંગથી;
સ્વામી વશ થતો નથી પીયરના પૈસા થકી;
સ્વામી વશ થતો નથી સદા અંગસંગથી,
સ્વામી વશ થતો નથી પુત્રનો પ્રસવ થયે,
સ્વામી વશ થતો નથી ધૂર્ત જેવા ઢંગથી;
કામનીને વશ કંથે થાય દલપત કહે,
પ્રેમ ઉર આણી પાળ્યે આગના ઉમંગથી. ૪

"જ્ઞાનીને તો કરે વશ જ્ઞાનની ગાથાઓ ગાઈ,
માનીને તો કરે વશ નોત્ય નમ્રતાઈથી;
કૃપણને કરે વશ કરીને કસર કાંઈ,
ક્રોધીને તો કરે વશ ખામુંખા ક્ષમાઈથી;
મૂરખને કરે વશ મીઠી મીઠી વાતો કહી,
ફૂલણને કરે વશ ફૂલવા ફૂલાઈથી;
કહે દલપતરામ કામની ચતુર,
કંથ ચતુરને કરે વશ ચિત્ત ચતુરાઈથી." ૫

અગાઉથી વરનો સ્વભાવ ઓળખી પરખીને પછી પરણે, તેને ઝાઝી ફીકર નથી. પણ દેશના ચાલ પ્રમાણે અજાણ્યા વર સાથે લગ્ન થાય, તેને ઘણી ફીકર રાખવી પડે છે. માટે હરેક રીતે સ્વામીની મરજી સાચવીને તેની સાથે જીવ મેળવે તે જ ડાહી, અને તે જ સારા કુળની, તે જ ભણેલી, અને તે જ સંસારમાં સુખ તથા કીર્તિ પામે છે. અને એક વાર જીવ મળ્યો, એટલે પછી તેને જેમ વાળીએ તેમ વળે. એવી શિખામણ સાંભળીને જમનાબાઈએ પણ પોતાનાં સાસરીઆંની પ્રીતિ મેળવી.

એક સમે ગંગાબાઈએ જમનાબાઈને કહ્યું કે, અહીં એક કન્યાશાળા છે; તેમાં ભણાવનારી એક બાઈ છે. અને તેના હાથ નીચે આશીસ્ટન પણ બાઈઓ જ છે, તે નિશાળ જોવા જવાની મારી ઘણી મરજી છે. માટે તમે આવો તો આપણે બંને સાથે જઈએ. જમનાબાઈએ તે વાત કબુલ કરી. અને પોત પોતાની સાસુઓને કહી નિશાળ જોવા ગઈઓ. તે સમે છોડીઓના ઉપલા વર્ગમાં કવિતાનો પાઠ ચાલતો હતો. શિક્ષકબાઈએ આગલે દહાડે વર્ગમાં કહ્યું હતું કે જેને જેવું આવડે એવું ખુરશી વિષે એક એક કવિત સઉ કરી લાવજો. તેથી સઉ કરી લાવેલી હતી, તે શિક્ષકબાઈ તપાશી જોતી હતી. તેમાં સઉથી સરસ કવિત એકજણી કરી લાવી હતી, તે નીચે મુજબ.