આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગૌરીબાઈ - વારૂં સાહેબ, હું આપ લખશો ત્યારે હાજર થઈશ.

પછી ગંગાબાઈએ તથા જમનાબાઈએ, લખાણ, વંચાણ, હિસાબ, ઇતિહાસ , ભૂગોળ, ખગોળ અને વ્યાકરણ વગેરેમાં ઉપલા વર્ગની તથા બીજા વર્ગોની થોડી થોડી પરીક્ષા લીધી અને છોડીઓનો અભ્યાસ જોઈને ઘણો સંતોષ ઉપજ્યો. પછી રજા માગીને તે બંને જણીઓ પોતાને ઘેર ગઈઓ. ગંગાબાઈએ પોતાના સ્વામી આગળ વાત કરી કે, આજ તો હું અને જમનાબાઈ, નિશાળે ગયાં હતાં. ત્યાંની છોડીઓની અમે પરીક્ષા લીધી. અને કેટલીએક છોડીઓનો અભ્યાસ જોઈને અતિ આનંદ ઉપજ્યો. તેમાં એક ગૌરીબાઈ નામે તેર ચૌદ વર્ષની છોડી છે, તેણે લખાણ, વંચાણ, હિસાબ, વ્યાકરણ તથા ભૂગોળવિદ્યા વગેરેની પરીક્ષા તો સાધારણ આપી, પણ તેનો કવિતા રચવાનો અભ્યાસ જોઈને અમને અચરજ જેવો લાગ્યો. અને અમારાં મન પીંગળી ગયા, તેથી અમારી કોટમાંથી એકે એક સોનાની કંઠી અમે એને બખશીશ આપી.

ગંગાબાઈના વરનું નામ નરોત્તમદાસ હતું. તે બોલ્યો કે,

નરોત્તમ - તે ગૌરીબાઈને એક દિવસ આપણે ઘેર બોલાવો તો સારૂં.

ગંગાબાઈ - તેણે મને કહ્યું છે કે મને ચીઠી લખશો ત્યારે હું તમારે ઘેર આવીશ. માટે આવતે રવિવારે પાછલા પહોરે આપણે ઘેર બાઈઓની એક ખાનગી સભા ભરવી છે. અને જમનાબાઈ , તથા તેમની સાસુ, નણંદ તથા આપણા પડોસની બીજી કેટલીક બાઈઓને હું બોલાવીશ. પછી ગૌરીબાઈ પાસે કવિતા બોલાવીશું. એને ઘણાં કવિત મોઢે આવડે છે. અને ગીત, ગરબીઓ પણ આવડે છે. અને હું જાણું છું કે તે જોઈ તમારાં માજી પણ રાજી થશે.

નરોત્તમ- ઠીક છે એ પ્રમણે કરજો, અને હું પણ સાંભળવા બેશીશ.

પછી ગંગાબાઈએ પોતાની સાસુને વાત કરી, તેમને પણ એ વાત ગમી. પછી ગૌરીબાઈને એક ચીઠી લખી કે આવતે રવિવારે દિવસના બાર ઉપર ચાર વાગતાં મારે ઘેર ખાનગી સભા તમારી કવિતા સાંભળવા સારૂ ભરીશ, માટે તે વખતે મહેરબાની કરીને પધારવું. ગૌરીબાઈએ જવાબમાં લખ્યું કે હું તે વખતે આવીશ. પછી રવિવાર આવ્યો. એટલે જમનાબાઈનાં ઘરનાં સર્વેને, તથા પોતાના પડોસની કેટલીએક બાઈઓને સભામાં આવવાનું નિમંત્રણ કર્યું. તે સઉને એટલી તો કવિતા સાંભળવાની આતુરતા હતી કે, બપોરથી આવીને સઉ બેઠાં. અને વારે વારે ઘડીયાળ તપાસે, કે હવે ચાર ક્યારે વાગશે ? બાર ઉપર બે વાગ્યા એટલે સઉ ગંગાબાઈને કહેવા લાગ્યાં, કે હવે ગૌરીબાઈને બોલાવવા સારૂ કોઈને મોકલો. હવે બે કલાક થઈ જતાં કાંઈ વાર નહિ લાગે. બે ઉપર દશ મિન્યુટ તો થઈ ગયા છે.

ગંગાબાઈ - હજી ઘણીવાર છે. વેલા થશે ત્યારે કોઈને બોલાવવા મોકલીશ. એ રીતે