આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પા, પા કલાકે ગૌરીબાઈને તેડાવવાનું કેટલી એક બાઈઓ આવી આવીને કહેવા લાગી. ત્યારે સાડા ત્રણ વાગતાં ગંગાબાઈએ ચીઠી લખી મોકલી. ચાર વાગવામાં ૧૦ મિન્યુટ ઓછા રહ્યા, ત્યાં ગૌરીબાઈ પોતાની ચાર પાંચ બહેનપણી સાથે લઈને ગંગાબાઈને ઘેર આવી. પછી ગંગાબાઈની સાસુએ હિસાબ વ્યાકરણ વિષે કેટલાએક પ્રશ્ન પુછ્યા, તેના ઉત્તર ગૌરીબાઈએ બરાબર આપ્યા. પછી ગીત, ગરબીઓ, તથા પદ ગવરાવ્યાં. પછી કવિત રચવાની વાત ચલાવી.

ગંગાબાઈ - પોતાની સાસુને કહે છે કે, આપની મરજીમાં આવે તે વિષે કવિઅ રચવાનું ફરમાવો, તો થોડી વારમાં ગૌરીબાઈ રચી આપશે.

સાસુજી - આ મોટો લાંબો પંખો અધર ટાંગેલો છે, કે જેની દોરી ખેંચવાથી આખા દીવાનખાનામાં બેઠેલા લોકોને પવવ પહોંચે છે. તે પંખા વિશે કવિતા રચી આપો.

પછી ગૌરીબાઈને સિલેટ અને પેન આપી. થોડીવારમાં તેણે કવિત તૈયાર કર્યું તેમાં નામ બીજા કવિનું નાખ્યું. તે કવિત નીચે મુજબ.

પંખવા વિષે. મનહર છંદ.

સીતા માટે સંગરામ રામના રિપુથી કર્યો,
જટાયુની જ્યાં અવધ આવી રહી આયુની;
પાંખો તોડી પાપીએ આકાશમાં ઉડાડી દીધી,
તે ફરે છે પ્રકૃતિ સુધારવા પ'રાયુની [૧];
ભાગ્યશાળી ભોગીના ભવનમાં ભરાઈ ભાઈ,
તાપ ટાળે વારે વારે કરે વૃષ્ટિ વાયુની;
એજ દીસે છે આ ઠામ કહે દલપતરામ,
પંખવો નથી આ પાંખ જુઓ રે જટાયુની. ૯

પછી જમનાં બાઈની નણંદે પોતાની ધૂપેલ ઘાલવાની ઉંચામાં ઊંચી જાતના સોનાની કટોરી દેખાડી; તે સારા ઘાટની, અને તેના સોનાનો રંગ પીળો નેં રાતો મળેલો હોય એવો ગોરો હતો. તેમાં ધૂપેલ હતું. પછી કહ્યું કે આ કટોરી વિષે એક કવિત રચી આપો. ગૌરીબાઈએ તે વિષે કવિત રચી આપ્યું તે નીચે મુજબ.

મનહર છંદ. વીક્ટોરીઆ મહારાણી વિષે.

સુઘડ છે, સરસ છે, નિર્મળ છે, નાજુક છે,
ગોરી જાતથી જનમી જુઓ જાતે ગોરી આ.

  1. પારકી આયુષની