આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગંગાબાઈ - તમે એક સમશા પૂછો,

સાસુ - "પુત્ર વર્ષ પાંચનો, નેં બાપ માસ બારનો." આ સમશા આજથી આઠ દહાડા સુધીમાં પૂરી કરી લાવશે, તો હું જાણીશ કે ગૌરીબાઈએ એ કવિતાનો અભ્યાસ સારો કરેલો છે.

ગૌરીબાઈ - એ સમશા મને કઠણ લાગતી નથી, કેમકે તેમાં જે શબ્દો છે તે અર્થવાલા છે. પણ કઠણ સમશા તો એવી રીતે પુછાય કે , મારા સિવાય આઠ જણાં અહીં બેઠાં છે, તે દરએક જણ પોતાની મરજીમાં આવે એવો એક એક અક્ષર લખે. તે આઠ અક્ષરોમાંથી કંઈ પણ અર્થ નિકળી શક્તો ન હોય તે, તે અક્ષરો એક પછી એક જેમ લખાયા હોય તેમ જ કવિત ની અંદર ગોઠવવા તે કઠણ સમશા કહેવા. એવી સમશાપૂર્ત્તિ કરવાનો મેં અભ્યાસ કરેલો છે.

નરોત્તમ - વારૂ તો હાલો માજીની સમશા પૂરી આપો. પછી હું એથી કઠણ પૂછીશ.

ગૌરીબાઈએ તે સમશા પૂરી કરી, તે નીચે મુજબ

મનહર છંદ.

પેરંભના હિંદુ-પાદશાહ પાસે પોતે રહ્યો,
કછી રજપુત સુત સારા સરદારનો;
પિતા તેનો આવ્યો પછી સુતની સંભાળ લેવા,
વેઠી શક્યો ન સુતનો વિજોગ વર્ષ ચારનો;
એને પણ એક વર્ષ રાજાજીએ રોકી રાખ્યો,
દાખે દલપતરામ સોંપ્યો ભાર કારભારનો;
પછી તે સ્વદેશ જવા પોતાનો પગાર માગે,
પુત્ર વર્ષ પાંચનો ને બાપ માસ બારનો. ૧૨

તે જોઈ ને સર્વે જણાં ઘણાં રાજી થયાં, અને અચરજ પામ્યાં.

નરોત્તમ - હવે એથી પણ કઠણ સમશા હું પુછું તે પૂરી કરો ત્યારે તમે ખરાં.

ગૌરીબાઈ - આપની મરજીમાં આવે એવી સમશા બોલો.

નરોત્તમ - "મુંબઈમાં હતો તે લુટાઈ ગયો માળવો"

જમનાબાઈ - હા એ ઠીક પુછ્યું. મુંબઈમાં આખો માળવો દેશ સમાઈ શકે નહિ, અને વળી મુંબઈ આબાદ છતાં, તેમાં સમાઈ રહેલો માળવો શીરીતે લુટાઈ જાય ? એ તો સમશા ખરેખરી કઠણ છે.

ગૌરીબાઈ - તેમાંના શબ્દો અર્થવાળા છે માટે કાંઈ કઠણ નથી. પછી તે કવિત રચવા લાગી. અને ઊંડા વિચારમાં પડી. સીલેટ ઉપર એક, બે ચરણો લખ્યાં ત્યાં તો તેની આંખ્યોમાંથી આંસુ પડ્યાં, ત્યારે સઉએ જાણ્યું કે આ કવિત