આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


યોગથી, અતિશ્રદ્ધાથી, આચરે આ ત્રણે તપો,
ન સેવી ફળની આશા, તે કહેવાય સાત્ત્વિક. ૧૭

સત્કાર—માન—પૂજાર્થે તથા જે દંભથી કરે;
તે તપ રાજસી લોકે, કહ્યું ચંચળ, અધ્રુવ. ૧૮

મૂઢાગ્રહે તપે જેઓ પીડીને અંતરાત્મને,
પરના નાશ માટે વા, તપ તે તામસી કહ્યું. ૧૯

કશો ના પાડ તોયે જે દેવાનો ધર્મ ઓળખી,
યોગ્ય પાત્રે—સ્થળે—કાળે આપે, તે દાન સાત્ત્વિક. [૧] ૨૦

ફેડવા પાછલો પાડ, હેતુ વા ફળનો ધરી,
 કે કોચાતા મને આપે, તે દાન રાજસી ગણ્યું. ૨૧

અપાત્રે દાન જે આપે, અયોગ્ય દેશકાળમાં,
વિના આદરસત્કાર, તે દાન તામસી ગણ્યું. ૨૨

ૐ(૩), તત, સત, ત્રણે નામે થાય નિર્દેશ બ્રહ્મનો,
બ્રાહ્મણો, વેદ ને યજ્ઞો સર્જયા તેણે જ આદિમાં. ૨૩

તેથી ૐ(૩) વદી પ્હેલાં , યજ્ઞ—દાન—તપ—ક્રિયા,
બ્રહ્મવાદી તણી નિત્ય પ્રવર્તે વિધિપૂર્વક. ૨૪

તદ્ વડે ફળને ત્યાગી, યજ્ઞ ને તપની ક્રિયા,
વિવિધ દાન કર્મોયે આચરે છે મુમુક્ષુઓ. ૨૫


  1. [દાન કરવું એ ધર્મ છે એટલા જ માટે.]