આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અધ્યાય:૧૮મો
ગુણ પરિણામો અને ઉપસંહાર


અર્જુન બોલ્યા—
શું છે સંન્યાસનું તત્ત્વ? ત્યાગનું તત્ત્વ શું, વળી?
બેઉને જાણવા ઇચ્છું, જુદાં પાડી કહો મને. ૧

શ્રીભગવાન બોલ્યા—
છોડે સકામ કર્મોને જ્ઞાની સંન્યાસ તે લહે;
છોડે સર્વેય કર્મોના ફળને, ત્યાગ તે કહ્યો. ૨

‘દોષરૂપ બધાં કર્મો—ત્યજો તે’મુનિ કો કહે;
‘યજ્ઞ—દાન—તપો ક્યારે ન ત્યજો’ અન્ય તો કહે. ૩

ત્યાગ સંબંધમાં તેથી મારા નિશ્ચયને સુણ:
ત્રણ પ્રકારના ભેદો ત્યાગના વર્ણવાય છે. ૪

યજ્ઞ—દાન –તપો કેરાં કર્મો ન ત્યજવાં ઘટે;
અવશ્ય કરવાં, તે તો કરે પાવન સુજ્ઞને. ૫

કરવાં તેય કર્મોને આસક્તિ—ફળને ત્યજી;
આ ઉત્તમ અભિપ્રાય મારો નિશ્ચિત આ વિષે. ૬