આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


“હું કરું છું”એમ ના જેને , જેને લેપાય બુદ્ધિ ના,
સૌ લોકને હણે તોયે, હણે—બંધાય તે નહીં. ૧૭

જ્ઞાન, જ્ઞેય તથા જ્ઞાતા, --કર્મના ત્રણ પ્રેરકો;
સાધનો કર્મ ને કર્તા, --કર્મનાં ત્રણ પોષકો. ૧૮

જ્ઞાન, કર્મ અને કર્તા—ગુણોથી ત્રણ જાતનાં
વર્ણવ્યાં સાંખ્ય સિદ્ધાંતે, સુણ તેને યથાર્થ તું. ૧૯

જેથી દેખે બધાં ભૂતો એક અવ્યય ભાવને--
સળંગ ભિન્ન રૂપોમાં –જાણ તે જ્ઞાન સાત્ત્વિક. ૨૦

જે જ્ઞાને સર્વ ભૂતોમાં નાના ભાવો જુદા જુદા
જાણતો ભેદને પાડી, -- જાણ તે જ્ઞાન રાજસ. ૨૧

આસક્તિ યુક્ત જે કાર્ય, પૂર્ણ—શું એકમાં જુએ;
જેમાં ન તત્ત્વ કે હેતુ,--અલ્પ તે જ્ઞાન તામસી. [૧] ૨૨

નીમેલું, વણ આસક્તિ, રાગદ્વેષ વિના કર્યું;
ફળની લાલસા છોડી, સાત્ત્વિક કર્મ તે કહ્યું. ૨૩

મનમાં કામના સેવી, વા અહંકારથી કર્યું,
ઘણી જંજાળથી જેને, રાજસ કર્મ તે કહ્યું. ૨૪

પરિણામ તથા હાનિ, હિંસા, સામર્થ્ય ના ગણી,
આદરે મોહથી જેને, તામસ કર્મ તે કહ્યું. ૨૫


  1. [કાર્ય—પરિણામ; એક વસ્તુ કે સાધન તે જ જાણે બધું હોય તેમ.]