આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


નિ:સંગી, નિરહંકારી, ધૃતિ—ઉત્સાહથી ભર્યો,
યશાયશે નિર્વિકાર, કર્તા સાત્ત્વિક તે કહ્યો. ૨૬

રાગી, ને ફળનો વાંછુ, લોભી, અસ્વચ્છ, હિંસક,
હર્ષશોકે છવાયેલો, કર્તા રાજસ તે કહ્યો. ૨૭

અયોગી, ક્ષુદ્ર, ગર્વિષ્ઠ, અકર્મી, શઠ, આળસુ,
શોગિયો, દીર્ઘસૂત્રી જે કર્તા તામસ તે કહ્યો. ૨૮

બુદ્ધિ ને ધૃતિના ભેદો, ગુણોથી ત્રણ જાતના,
સંપૂર્ણ વર્ણવું તેને, સુણજે વિગતે જુદા. ૨૯

પ્રવૃત્તિ શું, નિવૃતિ શું, કાર્યાકાર્ય, ભયાભય,
બંધ શું મોક્ષ શું જાણે, ગણી તે બુદ્ધિ સાત્ત્વિક. ૩૦

ધર્માધર્મ તણો ભેદ, તેમ કાર્ય—અકાર્યનો,
અયથાર્થપણે જાણે, ગણી તે બુદ્ધિ રાજસી. ૩૧

અજ્ઞાને આવરેલી જે ધર્મ માને અધર્મને,
બધું જ અવળું પેખે, ગણી તે બુદ્ધિ તામસી. ૩૨

મન—ઇન્દ્રિય—પ્રાણોની ક્રિયાને જે ધરી રહે
ધૃતિ અનન્યયોગે જે, તેને સાત્ત્વિકી જાણવી. ૩૩

ધર્મે, અર્થે તથા કામે જે વડે ધારણા રહે,
આસક્તિ ને ફલેચ્છાથી, ધૃતિ તે તામસી ગણી. ૩૪