આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


જે વડે ભય ને શોક, નિદ્રા, ખેદ તથા મદ,
જે ન છોડેય દુર્બુદ્ધિ, ધૃતિ તે તામસી ગણી. ૩૫

સુખનાયે ત્રણે ભેદો હવે વર્ણવું, સાંભળ:
અભ્યાસે રાચતો જેમાં દુ:ખનો નાશ તે કરે. ૩૬

ઝેર સમાન આરંભે, અંતે અમૃત—તુલ્ય જે,
પ્રસન્ન ચિત્તને લીધે મળે તે સુખ સાત્ત્વિક. ૩૭

અમૃત—તુલ્ય આરંભે, અંતે ઝેર સમાન જે,
વિષયેન્દ્રિય સંયોગે મળે તે સુખ રાજસ. ૩૮

આરંભે, અંતમાંયે જે નિદ્રા—પ્રમાદ—આળસે
આત્માને મોહમાં નાંખે, તામસી સુખ તે ગણ્યું. ૩૯

નથી કો સત્ત્વ ઓર્‍થ્વીમાં, સ્વર્ગે દેવો વિષેય કો,
જે હોય ગુણથી મુક્ત, જે આ પ્રકૃતિના ગુણ. ૪૦

બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, શૂદ્રોના જે સ્વભાવથી
થયા ભિન્ન ગુણો, તેણે પાડ્યા છે કર્મ ભેદના. ૪૧

શાંતિ,તપ, ક્ષમા, શૌચ, શ્રદ્ધા, નિગ્રહ, આર્જવ,
જ્ઞાન, વિજ્ઞાન—અ કર્મ બ્રાહ્મણોનું સ્વભાવથી. ૪૨

શૌર્ય, તેજ, પ્રજારક્ષા, ભાગવું નહીં યુદ્ધથી,
દક્ષતા, દાન ને ધૈર્ય—ક્ષાત્રકર્મ સ્વભાવથી. ૪૩