આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ખેતી, વેપાર, ગોરક્ષા—વૈશ્યકર્મ સ્વભાવથી;
સેવાભાવ ભર્યું કર્મ, --શૂદ્રોનું એ સ્વભાવથી. [૧] ૪૪

માનવી પોતપોતાનાં કર્મે મગ્ન રહી તરે;
સ્વકર્મ આચરી જેમ મેળવે સિદ્ધિ, તે સુણ. ૪૫

જેથી પ્રવર્તતાં ભૂતો, જેણે વિસ્તાર્યું આ બધું;
તેને સ્વકર્મથી પૂજી સિદ્ધિને મેળવે નર. ૪૬

રૂડો સ્વધર્મ ઊણોયે સુસેવ્યા પરધર્મથી;
સ્વભાવે જે ઠરે કર્મ, તે કર્યે દોષ ના થતો. ૪૭

સહજ કર્મમાં દોષ હોય તોયે ન છોડવું;
સર્વ કર્મે રહે દોષ, ધુમાડો જેમ અગ્નિમાં. ૪૮

આસક્ત નહીં જે ક્યાંય, જિતાત્મા, નિ:સ્પૃહી સદા,
પરં નિષ્કર્મની સિદ્ધિ તેને સંન્યાસથી મળે. [૨] ૪૯

પામીને સિદ્ધિને યોગી, જે રીતે બ્રહ્મ મેળવે,
સુણ સંક્ષેપમાં તેને, --નિષ્ઠા જે જ્ઞાનની પરં. ૫૦

પવિત્ર બુદ્ધિને રાખે, નીમે ધૃતિથી મન,
શબ્દાદિ વિષ્યો ત્યાગે, રાગદ્વેષ બધા હણે; ૫૧

એકાંતે રહે જમે થોડું, ધ્યાનયોગ સદા કરે,
જીતે કાયા—મનો—વાણી, દૃઢ વૈરાગ્યને ધરે; ૫૨


  1. [કર્મ શબ્દ એકવચનમાં વાપર્યો છે, તે જાણી જોઈને છે. કર્મ—ધર્મ, પણ કર્મ નાન્યતર જાતિનો શબ્દ છે, ધર્મ નર જાતિનો એટલો જ ફેર.]
  2. [કર્મો બજાવતાં છતાં તેનું બંધન વળગે નહીંતે સ્થિતિ.]