આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


બળ—દર્પ—અહંકાર—કામ—ક્રોધ ટળી ગયા
સંગ્રહ—મમતા છોડ્યાં, શાંત તે બ્રહ્મમાં મળે. ૫૩

બ્રહ્મનિષ્ઠ, પ્રસન્નાત્મા, શોચ કે કામના નહીં,
સમાન દૃષ્ટિનો પામે મારી પરમ ભક્તિને. [૧] ૫૪

ભક્તિએ તત્ત્વથી જાણે, જેવો છું ને હું જેમ છું;
તત્ત્વે આમ મ’ને જાણી, તે મળે મુજમાં પછી. ૫૫

મારો આશ્રિત તે કર્મો સર્વ નિત્ય કરે છતાં,
મારા અનુગ્રહે પામે અખંડ પદ શાશ્વત. ૫૬

મ’ને અર્પી બધાં કર્મો મનથી, મત્પરાયણ,
મારામાં ચિત્તને રાખ બુદ્ધિયોગ વડે સદા. ૫૭

મચ્ચિત્તે તરશે દુ:ખો સર્વે મારા અનુગ્રહે,
ન સુણીશ અહંકારે, નિશ્ચે પામીશ નાશ તો. [૨] ૫૮

જે અહંકારને સેવી માને છે કે ‘લડું નહીં’,
મિથ્યા પ્રયત્ન તે તારો, પ્રકૃતિ પ્રેરશે તને. ૫૯

બંધાયેલો સ્વકર્મોથી, નિર્માયાં જે સ્વભાવથી,
મોહથી ઇચ્છતો ના જે, અવશે તે કરીશ તું. ૬૦

વસીને સર્વ ભૂતોનાં હ્રદયે પરમેશ્વર,
માયાથી ફેરવે સૌને, જાણે યંત્ર પરે ધર્યા. ૬૧

  1. [પ્રસન્નાત્મા—પ્રસન્ન ચિત્તવાળો.]
  2. [મચ્ચિત્તે—મારામાં ચિત્ત રાખ્યાથી.]