આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


તેને જ શરણે જા તું સર્વભાવથી, ભારત,
તેના અનુગ્રહે લૈશ શાંતિ ને શાશ્વત પદ. ૬૨

આવું આ સારમાં સાર જ્ઞાન મેં તુજને કહ્યું;
તેને પૂર્ણ વિચારીને કર જેમ ગમે તને. ૬૩

વળી, મારું પરં વેણ, સારમાં સાર, આ સુણ,
મ’ને અત્યંત વા’લો તું, તેથી તારું કહું હિત. ૬૪

મન, ભક્તિ, મ’ને અર્પ, મ’ને પૂજ, મ’ને નમ,
મ’ને જ પામશે નિશ્ચે, મારું વચન લે, પ્રિય ! ૬૫

છોડીને સઘળા ધર્મો, મારું જ શરણું ધર;
હું તને સર્વ પાપોતી છોડાવીશ, નચિંત થા. ૬૬

તપ ના, ભક્તિ ના જેમાં, ના સેવા—શ્રવણે રુચિ;
નિંદતોયે મ’ને તેને કે’વું ના જ્ઞાન આ કદી. ૬૭

જે આ જ્ઞાન મહા ગૂઢ આપશે મુજ ભક્તને,
પરાભક્તિ કરી મારી મ’ને નિશ્ચય પામશે. ૬૮

તેથી અધિક ના કોઈ મારું પ્રિય કરે અહીં,
તેથી અધિક તો કોઈ મારો પ્રિય જગે નહીં. ૬૯

શીખી વિચારશે જે આ ધર્મસંવાદ આપણો,
મારી ઉપાસના તેણે જ્ઞાનયજ્ઞે કરી, ગણું. ૭૦