આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


જે શ્રદ્ધાવાન નિષ્પાપ માનવી સુણશેય આ,
તેયે મુક્ત થઈ પામે લોકો જે પુણ્યવાનના. [૧] ૭૧

પાર્થ, તેં સાંભળ્યું શું આ બધું એકાગ્ર ચિત્તથી?
અજ્ઞાન—મોહનો નાશ શું હવે તુજ કૈં થયો? ૭૨

અર્જુન બોલ્યા--
ટળ્યો મોહ, થયું ભાન, તમ અનુગ્રહે, પ્રભો !
થયો છું સ્થિર નિ:શંક, માનીશ તમ શીખને. ૭૩

સંજય બોલ્યા--
કૃષ્ણાર્જુન મહાત્માનો આવો સંવાદ અદ્ ભુત,
રોમ ઊભાં કરે તેવો, સાંભળ્યો મેં, મહીપતે. ૭૪

કૃષ્ણ યોગેશ્વરે સાક્ષાત સ્વમુખે બોલતાં સ્વયં,
મેં આ યોગ પરંગૂઢ સુણ્યો વ્યાસ—અનુગ્રહે. ૭૫

આ કૃષ્ણાર્જુન સંવાદ, મહા અદ્ ભુત, પાવન,
સ્મરી સ્મરી મ’ને તેનો હર્ષ થાય ફરી ફરી. ૭૬

સ્મરી સ્મરીય તે રૂપ, હરિનું અતિ અદ્ ભુત,
મહા આશ્ચર્ય પામું ને હર્ષ થાય ફરી ફરી. ૭૭

જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ, જ્યાં ધનુર્ધર અર્જુન,
ત્યાં વસે જય, ઐશ્વર્ય, લક્ષ્મી ને સ્થિર નીતિયે. ૭૮


ૐ તત્ સત્


  1. [લોકો—સ્વર્ગ વગેરે જેવા.]