આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પરાક્રમી યુધામન્યુ, ઉત્તમૌજા પ્રતાપવાન્,
સૌભદ્ર, દ્રૌપદીપુત્રો, બધાયે જે મહારથી. ॥૬॥

આપણા પક્ષના મુખ્ય, તેય, આચાર્ય ઓળખો;
જાણવા યોગ્ય જે મારા સેનાના નાયકો કહું: ॥૭॥

આપ, ભીષ્મ તથા કર્ણ, સંગ્રામવિજયી કૃપ,
અશ્વત્થામા, વિકર્ણેય, સોમદત્ત તણો સુત. ॥૮॥

બીજાયે બહુ છે શૂરા, હું-કાજે જીવ જે ત્યજે;
સર્વે યુદ્ધકળાપૂર્ણ, અસ્ત્રશસ્ત્રો વડે સજ્યા. ॥૯॥

અગણ્ય આપણી સેના, જેના રક્ષક ભીષ્મ છે;
ગ્ણ્ય છે એમની સેના, જેના રક્ષક ભીમ છે. ॥૧૦॥
[૧]

જેને જે ભાગમાં રાખ્યા, તે તે સૌ મોરચે રહી,
ભીષ્મની સર્વ બાજુથી રક્ષા સૌ કરજો ભલી. ॥૧૧॥

સંજય બોલ્યા—
તેનો વધારવા હર્ષ, કરીને સિંહનાદ ત્યાં
પ્રતાપી વૃદ્ધ દાદાએ બજાવ્યો શંખ જોરથી. ॥૧૨॥

પછી તો શંખ, ભેરી ને નગારાં, રણશિંગડાં
વાગ્યાં સૌ સામટાં એનો પ્રચંડ ધ્વનિ ઊપજ્યો. ॥૧૩॥

તે પછી શ્વેત અશ્વોથી જોડાયેલા મહારથે
બેઠેલા માધવે-પાર્થે વગાડ્યા દિવ્ય શંખ બે. ॥૧૪॥


  1. [અગણ્ય અને ગણ્ય. મૂળના અપર્યાપ્ત અને પર્યાપ્ત શબ્દોને બદલે વાપર્યા છે, અને તેની માફક દ્વિઅર્થી છે. એટલે કે અગણ્ય –(1) ગણાય નહીં એટલી અપાર, અથવા (2) ન ગણવા જેવી, નજીવી. ગણ્ય—તેથી ઊલટું. બંનેનો પહેલો અર્થ વધારે ઠીક લાગે છે, પણ ઘણા બીજો અર્થ કરે છે.]