આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


નથી હું ઇચ્છતો જીત, નહીં રાજ્ય, નહીં સુખો;
રાજ કે ભોગ કે જીવ્યું, અમારે કામનું કશું? ॥૩૨॥

ઇચ્છીએ જેમને કાજે રાજ્ય કે ભોગ કે સુખો,
તે આ ઊભા રણે આવી ત્યજીને પ્રાણ-વૈભવો. ॥૩૩॥

ગુરુઓ, બાપ ને બેટા, દાદા—પોતા વળી ઘણા,
મામાઓ, સસરા, સાળા, સંબંધી, સ્વજનો બધા. ॥૩૪॥

ન ઇચ્છું હણવા આ સૌ, ભલે જાતે હણાઉં હું;
ત્રિલોક-રાજ્ય કાજેયે, પૃથ્વી કારણ કેમ તો? ॥૩૫॥

હણીને કૌરવો સર્વે અમારું પ્રિય શું થશે?
એમને આતતાયીને હણ્યાનું પાપ કેવળ ![૧] ॥૩૬॥

માટે ન હણવા યોગ્ય કૌરવો, અમ બંધુઓ;
સ્વજનોને હણી કેમ પામીએ સુખને અમે? ॥૩૭॥

લોભથી વણસી બુદ્ધિ તેથી તે પેખતા નથી,
કુળક્ષયે થતો દોષ મિત્રદ્રોહેય પાપ જે. ॥૩૮॥

વળવા પાપથી આવા અમે કાં ન વિચારવું,--
કુળક્ષયે થતો દોષ દેખતા સ્પષ્ટ જો અમે? ॥૩૯॥

કુળક્ષયે થતા નાશ કુળધર્મો સનાતન;
ધર્મનાશે કુળે આખે વર્તે આણ અધર્મની. ॥૪૦॥

અધર્મ વ્યાપતાં લાજ લૂંટાય કુળનારની;
કુળસ્ત્રીઓ થયે ભ્રષ્ટ વર્ણસંકર નીપજે. ॥૪૧॥


  1. (આતતાયી—શસ્ત્ર ઉગામનાર. આ કોણ? સાધારણ રીતે કૌરવો માટે સમજવામાં આવે છે, પણ મારો અભિપ્રાય તેને ‘અમને’ના વિશેષણ તરીકે લેવાનો છે. આ માટે કર્ણપર્વ 91-49, શલ્ય પર્વ 11-11 વગેરેમાં આધાર છે. ગમે તે અર્થ કરી શકાય એવી રચના રાખી છે. )